5 માર્ચે રિલીઝ થયેલી એસએસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે 800 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મની સફળતા જોઈને એક્ટર રામચરણ તેજા ઘણો જ ખુશ થયો છે. ફિલ્મમાં તેણે અલ્લુરી સીતારામ રાજુનો રોલ પ્લે કર્યો હતો. હવે રામચરણે ફિલ્મની ટેક્નિશિયન ટીમને એક તોલા સોનું આપ્યું છે.
રવિવાર, ત્રણ એપ્રિલના રોજ રામચરણ મુંબઈ જાય એ પહેલાં તેણે ટેક્નિશિયન ટીમને ઘરે બોલાવી હતી, જેમાં કેમેરામેન, સિનેમેટોગ્રાફી, સ્ટંટ આસિસ્ટન્ટસ, પ્રોડક્શન મેનેજર્સ, સ્ટીલ ફોટોગ્રાફી, ડિરેક્શન ડિપાર્ટમેન્ટ, એકાઉન્ટ્સ સહિતના ડિપાર્ટમેન્ટના હેડ આવ્યા હતા.
રામચરણે આ તમામને પોતાના ઘરે નાસ્તો કરાવ્યો હતો. ત્યાર બાદ તમામને એક કિલો મીઠાઈ તથા 1 તોલા (10 ગ્રામ) સોનાનો સિક્કો આપ્યો હતો. રામચરણે અંદાજે 35 લોકોને આ સોનાનો સિક્કો આપ્યો છે.
સિક્કા પર ‘RRR’ લખવામાં આવ્યું છે
રામચરણે આપેલા સોનાના સિક્કાની એક બાજુ ‘RRR’ તથા બીજી બાજુ રામચરણનું નામ લખવામાં આવ્યું છે.
RRR’ની ટીમને મળ્યા બાદ રામચરણ ચાર્ટર ફ્લાઇટમાં મુંબઈ આવ્યો હતો. અહીં તે મુંબઈના ગેટી ગેલેક્સી થિયેટરમાં ચાહકોને મળ્યો હતો. રામચરણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે પિતા ચિરંજીવી સાથે ફિલ્મ ‘આચાર્ય’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તે શંકરની મેગા બજેટ ફિલ્મ ‘સંક્રાંતિ’માં જોવા મળશે.
રામચરણ હાલમાં અય્યપ્પા દીક્ષાની પૂજાનું અનુષ્ઠાન કરી રહ્યો છે. કેરળના સબરીમાલામાં ભગવાન અય્યપ્પાનાં દર્શન કરવા જતાં પહેલાં 41 દિવસ સુધી કઠોર અનુષ્ઠાન કરવું પડે છે. આને મંડલમ કહેવામાં આવે છે. આ માટે 41 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. વાદળી અથવા કાળાં કપડાં પહેરવાનાં હોય છે. ગળામાં તુલસીની માળા પહેરવાની હોય છે. માથામાં તિલક કરવાનું હોય છે. માત્ર એક ટાઇમ સાદું ભોજન જમવાનું હોય છે. આ દિવસોમાં નોનવેજ ખાઈ શકાતું નથી. સાંજે પૂજા કરવાની હોય છે. જમીન પર જ સૂવાનું હોય છે.