રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને અમેરિકાની વચ્ચે આગામી અઠવાડીયે મહત્વની ટૂ પ્લસ ટૂ મીટિંગ થવા જઈ રહી છે. 11-14 એપ્રિલની વચ્ચે થનારી આ બેઠક માટે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ, જયશંકર અમેરિકા જશે.
રક્ષામંત્રાલયના જણાવ્યા અનુસાર ટૂ પ્લાસ ટૂ મીટિંગ માટે ભારતના રક્ષા અને વિદેશમંત્રી એક સાથે અમેરિકી સમકક્ષ લોયડ ઓસ્ટિન અને એસ બ્લિંકન સાથે મુલાકાત કરશે. બેઠકમાં બંને દેશોના મહત્વપૂર્ણ મંત્રીઓ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા સહયોગ અને સામરિક ભાગીદારી પર તો વાત થશે જ થશે, સાથે જ યુક્રેનનો મુદ્દો પણ સામે આવી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર હુમલાને લઈને અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશ રશિયાનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. અમેરિકાના નેતૃત્વમાં તમામ પશ્ચિમી દેશોએ રશિયાનું આંતરરાષ્ટ્રીય મંચો પર બહિષ્કાર કર્યો છે અને રશિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે, ભારત યુદ્ધ વિરુધમાં છે, પણ રશિયાનો ખુલ્લીને વિરોધ પણ નથી કરી રહ્યા. ત્યાં સુધી કે, સંયુક્ત રાષ્ટ્રમાં પણ રશિયાના વિરુદ્ધ થયેલા વોટિંગમાં ભારત હંમેશા ગેરહાજર રહ્યું છે. તેને લઈને અમેરિકા તરફથી ભારત માટે કડવા વેણ બોલાઈ રહ્યા છે.
હાલમાં જ ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના ડેપ્યુટી એનએસએ, દલીપ સિંહે તો ત્યાં સુધી કહી દીધું કે, ભારતને જો ચીન સાથે વિવાદ થયો હતો, રશિયા ભારતની મદદ કરવા નહીં આવે. દલીપ સિંહે ઈશારા ઈશારામાં એ કહેવા માગે છે કે, જો ભારત રશિયા સાથે રહ્યું તો, ચીન વિવાદ દરમિયાન અમેરિકા પણ મદદ કરવા નહીં આવે અને રશિયા તો ચીનનો મિત્ર દેશ છે. એટલા માટે રશિયા પણ મદદ કરવા નહીં આવે. આ જ કારણ છે કે, અમેરિકામાં થનારી ટૂ પ્લાસ ટૂ મીટિંગ અત્યંત મહત્વની છે.
ભારતના રક્ષામંત્રાલયે શુક્રવારે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ ટૂ પ્લસ ટૂ બેઠકમાં તો ભાગ લેશે જ, સાથે જ અમેરિકાના રક્ષા સચિવ ઓસ્ટિન સાથે અલગથી પેંટાગનમાં પણ મુલાકાત કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે રક્ષા ઉદ્યોગ અને સૈન્ય સહયોગ પર પણ વાર્તા થશે. પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ અમેરિકાના હવાઈ આઈલેંડ સ્થિત ઈંડો પેસેફિક કમાંડના હેડક્વાર્ટરનો પણ પ્રવાસ કરશે.