આજે લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષા યોજાનાર છે. ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાના કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 3 લાખ ઉમેદવારો આજે લેખિત પરીક્ષા આપશે. ત્યારે અત્યાર સુધી પેપર લીક તથા અન્ય વિવાદોમાં રહેલી આ પરીક્ષા માટે ખાસ નિયમો બનાવાયા છે. પહેલીવાર વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ કરવામાં આવશે. એલઆરડી ભરતી સમિતીના વડા હસમુખ પટેલે પરીક્ષાના એક દિવસ પહેલા આ માહિતી આપી છે.
હસમુખ પટેલે પરીક્ષાઓની તૈયારીને લગતી માહિતી આપતા કહ્યુ કે, એલઆરડીની લેખિત પરિક્ષાની તમામ તૈયારી થઈ ગઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ અને પીએસઆઈ હાજર રહેશે. પીઆઈ અને પાએસઆઈની તાલીમ પૂર્ણ થઈ છે. પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શાળામાં ઉમેદવારો મોબાઈલ નહિ લઈ જઈ શકે. તેમજ શાળાનો સ્ટાફ પણ મોબાઈલ નહિ લઈ જઈ શકે. તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક ટેસ્ટિંગ થશે. ઉમેદવાર પ્રવેશ કરશે તે સમયનું વીડિયો રેકોર્ડિંગ થશે. વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર ખોલવાના આવશે. ગેરરીતિ નહિ ચલાવી લેવામા આવે.