ઉત્તરપ્રદેશ સરકારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ સિવાય ઉત્તરપ્રદેશ સૂચના વિભાગના ફેક્ટ ચેક ઇંફો @InfoUPFactCheck ટ્વિટર હેન્ડલને પણ હેક કરી લેવાયું છે. તેની પર પણ @UPGovt ની જેમ અનેક લોકોને ટેગ કરીને ટ્વિટ કરવામાં આવી રહ્યાં છે. જો કે, હેકરે હજુ સુધી કોઇ પણ મેસેજ પોસ્ટ નથી કર્યો. તે માત્ર લોકોને જ ટેગ કરી રહ્યો છે.
આ સાથે પંજાબ કોંગ્રેસના હેન્ડલની ડીપી અને બેકગ્રાઉન્ડ પિક્ચર બદલવા ઉપરાંત હેકરે સેંકડો યુઝર્સને ટેગ કરીને અનેક ટ્વીટ્સ કર્યા છે તેમજ હેકર્સે પંજાબ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તસવીર પણ પોસ્ટ કરી છે. રાહુલ ગાંધીની તસવીર પોસ્ટ કરતા હેકર્સે કેપ્શનમાં લખ્યું છે, ‘સચ ભારત.’
એકાઉન્ટે ટ્વિટ કર્યું કે, “Beanz સત્તાવાર સંગ્રહની જાહેરાતની ઉજવણીના ભાગરૂપે અમે આગામી 24 કલાક માટે સમુદાયના તમામ સક્રિય NFT વેપારીઓ માટે એક એરડ્રોપ ખોલી છે.” કોંગ્રેસ તેને વહેલામાં વહેલી તકે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
હવામાન વિભાગનું એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે પોતાના પર NFT ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આમાં પણ એક ટ્વિટ પિન કરવામાં આવ્યું હતું, જે કેટલાંક NFT ટ્રેડિંગ સાથે સંબંધિત હતું. પહેલાં એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો બદલવામાં આવ્યો હતો પરંતુ બાદમાં ફોટો હટાવી દેવાયો હતો. હવામાન ખાતાને એકાઉન્ટ પરત લેવામાં અંદાજે બે કલાક જેટલો સમય લાગ્યો હતો.
આવું પહેલી વાર નથી થયું કે આ પ્રકારનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોય. આ પહેલાં શનિવારે રાત્રે ઉત્તર પ્રદેશના સીએમઓનું ટ્વિટર એકાઉન્ટ પણ થોડા સમય માટે હેક થયું હતું. બાદમાં તેને તરત જ પુનઃશરૂ કરી દેવાયું હતું. ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ના સત્તાવાર ટ્વિટર હેન્ડલને હેક કરવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારે ટ્વિટ કર્યું હતું કે, ‘અસામાજિક તત્વો દ્વારા 9 એપ્રિલે સવારે 12:30 વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલય, સીએમઓ ઓફિસ, યુપીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના દ્વારા કેટલાંક ટ્વિટ્સ પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા કે જે તરત જ રિકવર કરવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથ સરકારે કહ્યું હતું કે, હેકિંગ માટે જવાબદાર લોકોને શોધવા માટે તેઓએ સાયબર નિષ્ણાંતોની મદદ લીધી છે અને તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.