ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં રવિવારે મોડી રાતે ભીષણ રોડ અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે દોડી રહેલી સ્કોર્પિયો ગાડીએ બાઈક પર સવાર કાકા-ભત્રીજાને હડફેટમાં લીધા હતા અને તેમને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં કાકા અને ભત્રીજા એમ બંનેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જે ગાડી વડે અકસ્માત થયો તે સ્કોર્પિયો લખીમપુર સદર વિધાનસભા બેઠકના સત્તાધારી ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માની હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ લખીમપુર-બહરાઈચ રોડ પર આ અકસ્માત થયો હતો. સંબંધમાં કાકા-ભત્રીજા એવા 2 શખ્સ બાઈક પર સવાર થઈને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઈક સવાર યુવકો રામપુર પાસે પહોંચ્યા ત્યારે એક પૂરપાટ ઝડપે ભાગી રહેલી સ્કોર્પિયોએ તેમને ટક્કર મારી દીધી હતી જેથી તેઓ નીચે પછડાયા હતા. સ્કોર્પિયો પર ધારાસભ્ય લખેલું છે અને આ ગાડી ધારાસભ્ય યોગેશ વર્માની પત્નીના નામે રજિસ્ટર્ડ છે. જાણવા મળ્યા મુજબ અકસ્માત થયો તે સમયે ધારાસભ્ય યોગેશ વર્મા ગાડીમાં સવાર નહોતા. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજું સ્પષ્ટ નથી થયું પરંતુ એવું કહેવાય છે કે, ફુલ સ્પીડના કારણે વાહન ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માત અંગેની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકોના શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.