અગાઉ પણ મેક્રોન પર ઇંડાં ફેંકવામાં આવ્યાં હતાં અને થપ્પડ મારી દીધી હતી
ફ્રાન્સમાં ચૂંટણી જીત્યા બાદ જાહેરમાં ફરવા નીકળેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. ખરેખર, જ્યારે પેરિસની એક સ્થાનિક બજારમાં આવેલા રાષ્ટ્રપતિ મેક્રોનને લોકોએ ઘેરી લીધા હતા. મેક્રોનના સુરક્ષાગાર્ડ્સે ભીડને રોકવા માટે લોકોને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો.
આથી રોષે ભરાયેલા લોકો સાથે તેમની ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ બેગમાંથી ટામેટાં કાઢીને ફેંકવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ તેના ગોર્ડ્સ તરત જ એક્શનમાં આવી ગયા અને મેક્રોનને બચાવી લીધા હતા. ભીડ વચ્ચેથી મેક્રોન સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, સદનસીબે તેમને કોઈ ઈજા થઈ ન હતી.
આવું પ્રથમ વખત નથી બન્યું કે મેક્રોન આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોય. ગયા વર્ષે પણ ડ્રોમ વિસ્તારમાં લોકોની સાથે મુલાકાત દરમિયાન એક શખસે તેમને ઠપ્પડ મારી દીધી હતી. બાદમાં આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેની વીડિયો-ક્લિપ પણ સામે આવી છે.
આ ઉપરાંત ગયા વર્ષે જ, ફ્રેન્ચ ગેસ્ટ્રોનોમીને પ્રોત્સાહન આપવા લિયોનની મુલાકાત લેનારા મેક્રોન પર એક વ્યક્તિએ ઇંડાં ફેંક્યા હતા. આ માણસે ‘વિવે લા રિવોલ્યુશન’ના નારા લગાવતાં મેક્રોન પર ઇંડાં ફેંક્યા હતા. વિવે લા રિવોલ્યુશન એટલે ક્રાંતિ ઝિંદાબાદ થાય છે. આ સૂત્ર ફ્રેન્ચ ક્રાંતિ (1789-1799)ના સંદર્ભમાં લાગાવવામાં આવે છે.
ઈમેન્યુઅલ મેક્રોન થોડા દિવસ પહેલાં જ બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. તેમણે નેશનલ રેલી પાર્ટીના ઉમેદવાર મારીન લે પેનને હરાવ્યા હતા. ફ્રાન્સમાં 2002 પછી કોઈ નેતા ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા ન હતા, પરંતુ મેક્રોને આ પરંપરાને તોડી છે.