Satya Tv News

સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈકાલે પોલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં, જેથી આજે AAP દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન AAP અને BJPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈટાલfયા સહિતના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.

ભાજપ કાર્યાલય પર આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે રોક્યા હતો. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાને માર મરાયો અને ગોપાલ ઇટાલિયા સાથે ટપલીદાવ થયો હતો. ભાજપ કાર્યાલય પર વિરોધપ્રદર્શન કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો. આ વિરોધપ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે એવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કાર્યાલયમાં ભેગા થયા હતા. આપેલા સમય કરતાં એક કલાક પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર જ મૂકેલી પોલીસવાનમાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસની પકડમાંથી છૂટીને ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ભાજપ કાર્યાલય પર ઊભેલા ભાજપના કાર્યકરો તેમની સામે ધસી ગયા હતા.

પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે એ પહેલાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોને માર મારવામાં આવતાં આ મુદ્દે વિવાદ થયો છે.

પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષ AAPના નગરસેવકોએ આખી રાત સભાગૃહમાં વિતાવી હતી. સભામાં બોલવાની તક આપવા સહિતની માગણી સાથે છેલ્લા 20 કલાકથી તેઓ ધરણાં પર બેઠા હતા. જોકે રવિવારે બપોરે 3 વાગ્યે સભાગૃહમાંથી શાસકોના ઇશારે તેમને બહાર કાઢવાના પ્રયાસ કરાયા હતા. વિપક્ષના આક્ષેપ મુજબ, સભાગૃહમાં પહેલા તો પાણી અને વીજળીનાં કનેકશનો કાપી નાખ્યાં હતાં. બાદમાં મનપાના માર્શલો અને પોલીસે સભાગૃહમાંથી બહાર જવા કહ્યું હતું, પરંતુ અમે નહીં જતાં ટીંગાટોળી કરીને બળજબરીપૂર્વક બહાર કઢાયા હતા. માર્શલોએ નગરસેવક ઘનશ્યામ મકવાણાનું ગળું દબાવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ મહિલા નગરસેવક કુંદન કોઠિયાનાં કપડાં પણ ફાડી નાખ્યા હતા. કનુ ગેડિયાને માર મારી કપડાં ફાડી નાખ્યા હતા, જ્યારે રચના હીરપરાને મોઢાના ભાગે મુક્કો વાગતાં ઇજા પહોંચી હતી. તમામને સ્મીમેરમાં સારવાર માટે લઇ જવાયાં હતાં.વિપક્ષના સભ્યોનો આક્ષેપ છે કે શાસકોની સૂચનાથી જ આ કૃત્ય કરાયું છે, પોલીસ ફરિયાદ પણ લેતી નથી.

error: