Satya Tv News

મધ્યપ્રદેશના ભોપાલમાં ડોક્ટર પતિના મોતનો આઘાત સહન નહીં કરી શકનાર પ્રોફેસર પત્નીએ પણ જીવનનો અંત લાવી દીધાની ઘટના સામે આવી છે. પતિના મોતના એક જ કલાક બાદ મહિલાએ ભોપાલના ભદભદા બ્રિજ પરથી કૂદીને જીવન ટૂંકાવી દીધું હતું. બ્રેન હેમરેજને લીધે પતિનું મોત થયા બાદ પત્નીએ ડોક્ટરને કહ્યું કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી. આમ કહીને તેઓ હોસ્પિટલમાંથી નીકળ્યા અને ભદભદા બ્રિજ પર પહોંચી મોતની છલાંગ લગાવી લીધી હતી. ત્યાર બાદ મંગળવારે પતિ-પત્નીની અર્થી એકસાથે ઊઠી.

ભોપાલના જાનકીનગર, ચૂનાભટ્ટીમાં રહેતા 47 વર્ષના ડોક્ટર પરાગ પાઠક (MDS) ભાભા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. 28 એપ્રિલની સવારે 9 વાગે ડોક્ટર પાઠકની તબિયત ઓચિંતા જ બગડી ગઈ. ત્યારે તેમનાં આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની પ્રીતિ ઝારિયા (44)એ પતિને પાણી પીવડાવ્યું. ત્યાર બાદ તેમને સારવાર માટે અરેરા કોલોની સ્થિત નેશનલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અહીં કહેવામાં આવ્યું કે તેઓ બ્રેન હેમરેજને લીધે ગંભીર કટોકટીમાં છે. બીજા દિવસે સર્જરી બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા.

2જી મેની રાત્રે લગભગ 2 વાગે ડોક્ટરે પ્રીતિને જણાવ્યું હતું કે તેમના પતિ પરાગનું મોત થયું છે. આ સાંભળી ભારે આઘાતમાં આવી ગયેલી પ્રીતિએ મોટા ભાઈને ફોન કર્યો. આ સાંભળીને બન્ને ભાઈ રાજેન્દ્ર કુમાર ઝારિયા, રાજેશ કુમાર ઝારિયા હોસ્પિટલ આવવા નીકળી ગયા. આ સમયે પ્રીતિએ ડોક્ટરને કહ્યું કે હવે તેમને જીવવાનો કોઈ અર્થ નથી. આ દુનિયામાં મારું કોઈ નથી. તેઓ ભદભદા બ્રિજ પર આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. આમ કહીને ભદભદા તરફ તેઓ નિકળી ગયાં. હોસ્પિટલ પહોંચેલા ભાઈઓએ ડોક્ટરને પૂછતાં આ ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી અને બન્ને ભાઈ પ્રીતિને શોધવા માટે ભદભદા તરફ દોટ મૂકી હતી. ત્યાં પહોંચે ત્યા સુધીમાં પ્રીતિએ મોતની છલાંગ લગાવી દીધી હતી. આ અંગે ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.

error: