ચીનમાં કોરોનાએ ફરી કહેર મચાવ્યો છે. ફરી એકવાર કોરોના ચીનમાં માથુ ઉચકી રહ્યો છે. ત્યારે હવે ઓમીક્રોન વેરિએન્ટના વધતા કેસને પગલે ચીનમાં કોરોનાની સુનામી આવે તેવી શક્યતા છે. કારણ કે ચીનીન ફૂડાન યુનિવર્સિટીએ સ્ટડીમાં અનુમાન લગાવ્યું છે કે ચીને ઝીરો કોવિડ પોલીસીમાં ઢીલ મૂકી તો જુલાઇ સુધી 16 લાખ લોકોના મોત થઇ શકે છે. આ સ્ટડી એવા સમયે સામે આવ્યું છે જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાનું સંક્રમણ રોકવા ઝીરો કોવિડ પોલીસીની જગ્યાએ અન્ય ઉપાય અપનાવવાની વાત કહી છે.
મહત્વનું છે કે વર્ષ 2019માં ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જ્યારે 2020માં કોરોના આખા વિશ્વમાં ફેલાયો હતો ત્યારે ચીને કોરોનાને કાબૂમાં લીધો હોવાનો દાવો કર્યો હતો. 2021માં જ્યારે ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યો હતો ક્યારે ચીને 14 દિવસમાં તેની પર કાબૂ મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હવે ઓમિક્રોન વેરિએન્ટના કારણે ચીનની હાલત ખરાબ થઇ ગઇ છે.
ચીનમાં સૌથી ખરાબ સ્થિતિ શાંઘાઈમાં છે. અહીં 6 અઠવાડિયાથી કડક લોકડાઉન છે. 25 કરોડથી વધુ લોકો લોકડાઉનમાં જીવી રહ્યા છે. તે જ સમયે, સમગ્ર ચીનમાં 400 મિલિયનથી વધુ લોકો એવા છે જેઓ અમુક પ્રકારના પ્રતિબંધ હેઠળ જીવી રહ્યા છે.
ચીનમાં ઓમિક્રોનથી ચાલી રહેલી તબાહી વચ્ચે ફુડાન યુનિવર્સિટીની સ્ટડીએ ચિંતામાં વધારો કરી દીધો છે. સ્ટડીમાં કહેવું છે કે જો ઝીરો-કોવિડ પોલિસી હળવી કરવામાં આવે તો જુલાઈ સુધીમાં 16 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. અને જો આટલા બધા મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર માટે જગ્યા ઓછી પડી શકે છે. સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યુ કે કોરોના રસીકરણ ઓમીક્રેન સામે ફાઇટ આપવા સક્ષમ નથી. પરંતુ સાથે એમ પણ જણાવ્યું કે રસીકરણની ઝડપ વધારીને મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય છે. ઓમીક્રોનને કારણે થતા મોતમાં 60વર્ષથી વધુ વયના લોકો અને રસી ન લીધી હોય તેવા લોકોનો સમાવેશ થઇ શકે છે. મહત્વનું છે કે ચીનમાં હજુ પણ 60 વર્ષ અને તેથી વધુ વયના 50 મિલિયન વૃદ્ધોએ રસી લીધી નથી.
આ યુનિવર્સિટીના સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોવિડ પ્રતિબંધો હળવા કરવામાં આવશે તો જુલાઇ સુધીમાં ઓમીક્રોનની લહેર મજબૂત બનશે. જો આમ થશે તો આ સમય દરમિયાન 11.22 કરોડથી વધુ કેસ નોંધાશે અને 51 લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. જેને કારણે ઓમિક્રોનની લહેર ચીનની આરોગ્ય પ્રણાલી પર 16 ગણો બોજ વધારશે