Satya Tv News

ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો વિવાદ હજુ શાંત થયો નથી. મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે જ્ઞાનવાપી મસ્જિદનના સર્વે પર સુપ્રીમ કોર્ટ રોક લગાવે.

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી અને સર્વે કરવા અંગે અને તે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને બદલવાનો આગ્રહ સંબંધિત અરજી મામલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગુરુવારે પોતાનો નિર્ણય આપ્યો. કોર્ટે સર્વે માટે નિયુક્ત કરેલા એડવોકેટ કમિશનર અજયકુમાર મિશ્રાને હટાવવાની ના પાડી દીધી. કોર્ટે તેમની સાથે બે અન્ય વકીલને પણ સર્વે કમિટીમાં સામેલ કર્યા છે. આ સાથે જ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો 17મી મે પહેલા સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. પણ કોર્ટના આ આદેશને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે જેમાં સર્વે પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી છે.

અરજી પર સર્વોચ્ચ કોર્ટનું કહેવું છે કે પેપર જોઈને કઈ જણાવી શકીશું. આ મામલે કોર્ટ આગામી અઠવાડિયે સુનાવણી કરી શકે છે. અત્રે જણાવવાનું કે વારાણસીની અંજુમન એ ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ સર્વેને રોકવા માટે અરજી કરી. જો કે કોર્ટે તરત રોક લગાવવાની ના પાડી દીધી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમણાએ કહ્યું કે મે હજુ અરજી જોઈ નથી, મામલાને હું જોઈશ. અંજુમન એ ઈન્તેજામિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટીના વકીલ હુજેફા અહમદીએ કહ્યું કે આમા તત્કાળ સુનાવણીની જરૂર છે. કારણ કે સર્વેનો આદેશ અપાયો છે. સીજેઆઈના નેતૃત્વવાળી પેનલ સામે વારાણસીની નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવવાની માગણી કરાઈ.

અત્રે જણાવવાનું કે કોર્ટે ગુરુવારે કરેલા આદેશ મુજબ જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં જે તાળા લાગેલા છે તેને તોડીને સર્વેનું કામ પૂરું કરવામાં આવે. જિલ્લાધિકારી પણ આ કેસમાં નિગરાણી કરશે. કોર્ટ કમિશનર એ કે મિશ્રાને હટાવવામાં નહીં આવે તેઓ પદ પર યથાવત રહેશે અને તેમને સાથ આપવા માટે બે સહાયક કમિશનર રહેશે જેમના નામ વિશાલ સિંહ અને અજય સિંહ છે અને તેઓ તેમને સર્વેમાં મદદ કરશે. આ બાજુ વાદી પક્ષના વકીલે કહ્યું કે કોર્ટે સમગ્ર મસ્જિદ પરિસરનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. યુપી સરકાર અને પ્રશાસનને પણ આદેશ આપ્યા છે કે આ કાર્યવાહી પૂરી કરાવવામાં આવે અને જે પણ લોકો આ કામમાં વિધ્ન નાખે તેમના પર કાર્યવાહી કરવામાં આવે.

error: