ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્યાકાંડનો દોષિત એજી પેરારીવલન હવે જેલમાંથી છૂટી જશે. સુપ્રીમ કોર્ટે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સુપ્રીમે પૂર્વ પ્રધાનમંત્રીની હત્યામાં આજીવન કેદની સજા કાપી રહેલા પેરારિવલનની અરજી પર ચુકાદો 11 મેના રોજ અનામત રાખ્યો હતો. તામિલનાડુ સરકાર દ્વારા સપ્ટેમ્બર 2018ના રોજ છૂટકારા માટે કરાયેલી સંસ્તુતિના આધારે પેરારિવલને પોતાની અરજી દાખલ કરી હતી. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને બી આર ગવઈની પેનલે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે 36 વર્ષની સજા કાપી ચૂકેલા એજી પેરારિવલનને છોડી કેમ ન શકાય? પેનલે કહ્યું હતું કે દોષિત 36 વર્ષની જેલની સજા કાપી ચૂક્યો છે અને જ્યારે ઓછા સમય માટે સજા પામેલા લોકોને છોડી શકાય છે તો કેન્દ્ર તેને છોડવા માટે રાજી કેમ નથી? પેનલે કહ્યું કે અમે તમને બચવાનો રસ્તો આપી રહ્યા છીએ. આ એક વિચિત્ર તર્ક છે. રાજ્યપાલ પાસે બંધારણની કલમ 161 અંતર્ગત દયા અરજી પર નિર્ણય લેવાનો અધિકાર નથી. તે વાસ્તવમાં બંધારણના ફેડરલ સ્ટ્રક્ચર પર પ્રહાર કરે છે. રાજ્યપાલ કયા સ્ત્રોત કે જોગવાઈ હેઠળ રાજ્ય મંત્રીમંડળના નિર્ણયને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે.
અગાઉ જે 11 મેના રોજ સુનાવણી થઈ હતી તેમાં બેન્ચે કેન્દ્ર સરકારના એ સૂચન સાથે અસહમતિ વ્યકત કરી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી કોર્ટે રાહ જોવી જોઈએ તે રજૂઆત કરાઈ હતી. સુપ્રીમે પેરારિવલનની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવાની રાજ્યપાલ દ્વારા થયેલી કાર્યવાહીને પણ એમ કહીને ફગાવી હતી કે તે બંધારણ વિરુદ્ધ કોઈ પણ ચીજ માટે પોતાની આંખ મીચી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે તામિલનાડુના રાજ્યપાલ પેરારિવલનના છૂટકારા મુદ્દે બંધારણની કલમ 161 હેઠળ તામિલનાડુ મંત્રીમંડળની સલાહ સાથે બંધાયેલા છે.