૮ જિલ્લાની ૧૨ જેટલી ટીમોએ ભાગ લીધો
સાંસદ મનસુખ વસાવાએ સ્પર્ધાને ખુલ્લી મૂકી
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત” જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદાના ઉપક્રમે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ૧૧ મો ખેલ મહાકુંભ દક્ષિણ ઝોનકક્ષાની હેન્ડબોલ ભાઈઓ/બહેનો-વોલીબોલ બહેનોની સ્પર્ધાને રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકાઈ હતી. જેમાં ૮ જિલ્લાની ૧૨ જેટલી ટીમોએ ભાગ લીધો છે.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને આઝાદી મળી તેના ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીને દેશની આઝાદીને ઉજાગર કરી છે. ગુજરાતમાં ખેલ-મહાકુંભની શરૂઆત કરીને બાળકો, યુવાનો, દિવ્યાંગજનો સૌ કોઇને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા છે, જેના પરિણામે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે ઝળહળ્યાં છે અને રમતવીરોએ અનેક નવી સિધ્ધીઓ હાંસલ કરી હોવાનું વસાવાએ ઉમેર્યું હતું.
સાંસદ મનસુખભાઇ વસાવાએ સુરત ગ્રામ્ય અને નવસારીની હેન્ડબોલ ભાઇઓની સ્પર્ધાનો અને રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે બહેનોની વોલીબોલ સ્પર્ધાનો ટોસ ઉછાળી રમતની શરૂઆત કરાવી રમતરમતવીરોનો પ્રોત્સાહિત કર્યા હતાં. આ બંને સ્પર્ધામાં રમતવીરોએ પુરી ખેલદિલીથી ભાગ લીધો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ઝોન કક્ષાની હેન્ડબોલ/વોલીબોલ ટૂર્નામેન્ટ સ્પર્ધામાં દક્ષિણઝોનમા આવતા નવસારી, તાપી, સુરત ગ્રામ્ય, સુરત શહેર, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓની વિજેતા ટીમનાં (હેન્ડબોલ ભાઈઓ/ બહેનો અને વોલીબોલ બહેનો) ખેલાડીઓ તા.૧૭/૦૫/૨૦૨૨ થી તા.૨૩/૦૫/૨૦૨૨ સુધી સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં અંડર -૧૪, ૧૭ અને ઓપન એજ ગૃપની સ્પર્ધાઓ રમાડવામાં આવશે.પ્રારંભે સિનીયર કોચ વિષ્ણુભાઈ વસાવાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા