Satya Tv News

વન્ય પ્રાણીની 3 દિવસની ગણતરી હાથ ધરવામાં આવી

25 દીપડા, 21 રીંછ, ઝરખ 245 અને નીલગાય 7500 થઇ

પાવીજેતપુર તાલુકા ફોરેસ્ટ રેન્જની રેન્જમાં વન્ય પ્રાણીઓની ગણતરી થતાં 21 જેટલા રીંછ અને 35 જેટલા દીપડા નોંધાવા પામ્યા છે. કુંડલ જંગલ વિસ્તારમાં વહેલી સવારે પાણીના હવાડા ઉપર પાણી પીવા માટે આવેલા રીંછના ટોળા લોકોએ નિહાળ્યા હતા. પાવીજેતપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનરાજસિંહ સોલંકીના જણાવ્યા મુજબ પાવીજેતપુર 11,340 હેકટર જંગલ વિસ્તારમાં પૂનમની રાત્રિના રોજ 15 મેથી 17 મે સુધી 3 દિવસ વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવી હતી.

જે પ્રમાણે કુંડલના જંગલ વિસ્તારમાં 14 જેટલા રીંછ તેમજ માખણીયા પર્વત વિસ્તારમાં 7 જેટલા રીંછ મળી કુલ 21 જેટલા રીંછ નોંધાયા છે. જ્યારે દીપડા 35, જરખ 140, નીલગાય 7500 તેમજ જંગલી ભૂંડ 235 સંખ્યા નોંધાવા પામી છે. આર.એફ.ઓ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે પાવીજેતપુર રેન્જમાં જુદી જુદી જગ્યાએ જંગલ વિસ્તારમાં 14 પાણીના હવાડા બનાવવામાં આવ્યા છે. જેમાં 10 દિવસે 10 ટેન્કરો દ્વારા હવાડા સાફ કરી પાણી ભરવામાં આવે છે.

જંગલ વિસ્તારમાંથી પાણીની શોધમાં વન્ય પ્રાણીઓ માનવ વિસ્તારમાં ન આવી જાય તે માટે તેઓને જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે. ફળાવ રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. જેનાથી પ્રાણીઓને વૃક્ષો ઉપર આવતા ફળોથી ખોરાક મળી રહે છે.

તાજેતરમાં જ કુંડલના જંગલ વિસ્તારમાં પાણીના હવાડા ઉપર વહેલી સવારે રીંછના ટોળા પાણી પીવા માટે આવ્યા હતા. પાણી પી ફરીથી જંગલ વિસ્તારમાં જતા રહ્યા હતા. જે આ વિસ્તારના લોકોએ દૂરથી દૃશ્ય નિહાળ્યું હતું.3 વર્ષ અગાઉ થયેલી ગણતરીની સરખામણીમાં 10 દીપડા, 7 રિંછ, 75 ઝરખ અને 2000 નિલગાયમાં વધારો નોંધાયો હતો.

error: