Satya Tv News

બહુચર્ચિત કોર્ડેલીયા ક્રુઝ શીપ ડ્રગ્સ પ્રકરણે એનસીબી આગામી બેથી ત્રણ દિવસમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા છે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ હાઈ- પ્રોફાઈલ ડ્રગ્સ કેસનો એનસીબીએ પર્દાફાશ કર્યો હતો જેમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

એનસીબીને ચાર્જશીટ દાખલ કરવા માટે આપવામાં આવેલી વધારાની બે મહિનાની મુદત ૨૯ મેના પુરી થઈ રહી છે. આ પહેલા ૩૦ માર્ચના રોજ અહીંની એક વિશેષ અદાલતે એનસીબીને ચાર્જશીટ દાખલ કરવા બે મહિનાની મુદત વધારી આપી હતી.

ગયા વર્ષે ૨ ઓક્ટોબરના રોજ કોર્ડેલીયા ક્રુઝ શીપ મુંબઈથી ગોવા જવા નિકળી ત્યારે મધરાતે એનસીબીએ છાપો માર્યો હતો જેમાં એનસીબીના તત્કાલીન ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને અન્ય અધિકારીઓ ગુપ્ત માહિતીને આધારે પેસેન્જર બનીને ત્રાટકયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

એનસીબીએ છાપા માર્યા તેમાં કોકેઈન, મેફેડ્રોન, ચરસ, હાઈડ્રોપોનિક બીડ, એમડીએમએ જેવા ડ્રગ્સનો નાનો જથ્થો તેમજ ૧.૩૩ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. શરૃઆતમાં એનસીબીએ શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ જણની ડ્રગ્સ પ્રકરણે અટક કરી હતી જેની સંખ્યા પછીથી ૨૦ પર પહોંચી ગઈ હતી.

આ પ્રકરણે લગભગ ત્રણ અઠવાડિયા આર્થર રોડ જેલમાં વિતાવ્યા બાદ ૩૦ ઓક્ટોબરના રોજ આર્યન ખાનની છૂટકા થઈ હતી. તેને દર અઠવાડિયે એનસીબીની ઓફિસમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. જોકે પાછળથી તપાસ એજન્સી બોલાવી ત્યારે હાજર થવાની રાહત આપવામાં આવી હતી.

આ પ્રકરણે એનસીબીના તત્કાલિન ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારના આરોપો થયા બાદ આ પ્રકરણની તપાસ માટે એનસીબીના અધિકારી સંજય સિંહની અધ્યક્ષતા હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની સ્થાપના કરવામાં આવી હતી.

error: