દેશના ચલણમાં રૂ.1000ની નોટ રદ્દ કરી રૂ.2000ની નોટ 2016માં દાખલ કરવામાં આવી હતી, હવે ચાર વર્ષથી રિઝર્વ બેંકે તેનું પ્રિન્ટીંગ નથી કર્યું
ચાર વર્ષથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં નવી રૂ.2000ની ચલણી નોટ છાપવાનું બંધ કર્યું હોવાથી કુલ ચલણમાં આ નોટનો હિસ્સો ઘટી રહ્યો છે એવી વિગત દેશની સેન્ટ્રલ બેંકના વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલ ઉપરથી પ્રકાશમાં આવી છે.
નવેમ્બર 2016માં દેશમાં રૂ.500 અને રૂ.1000ની નોટ રદ્દ કરી તેને બેંકમાં 60 દિવસમાં જમા કરાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સમયે રદ્દ થયેલી નોટોનું પ્રમાણ ઘણું વધારે હોવાથી કેન્દ્ર સરકારે રૂ.2000ની નવી નોટ બજારમાં મૂકી હતી. જોકે, વર્ષ 2018-19 પછી રિઝર્વ બેંકે આ નવી નોટ છાપવાનું બંધ કરી દીધું છે.
રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અનુસાર માર્ચ 2022ની સ્થિતિએ દેશના ચલણમાં કુલ નોટોમાં રૂ.2000ની નોટનો હિસ્સો 13.8 ટકા હતો જે આગલા વર્ષના 17.3 ટકા કરતા ઘટી ગયો છે. માર્ચ 2022ની સ્થિતિએ દેશમાં હવે ચલણમાં, રૂ.2000ની કુલ 214 કરોડ નોટો રહી છે જે આગલા વર્ષે 245 કરોડ હતી. જોકે, રિઝર્વ બેંકે હવે રૂ.500ની નોટો વધારે છાપવાનું શરુ કર્યું છે.
રૂ.31 લાખ કરોડના વ્યવહારના કુલ ચલણમાં રૂ.500ની નોટોનો હિસ્સો 73.3 ટકા હતો જે ગત વર્ષે 68.4 ટકા હતો. આ અહેવાલ અનુસાર દેશમાં રૂ.500ની કુલ 4555 કરોડ નોટો ચલણમાં છે જે ગત વર્ષે 3868 કરોડ જ હતી આમ કુલ નોટોમાં તેનો હિસ્સો 31 ટકા કરતા વધી હવે 35 ટકા જેટલો થયો છે.
રૂ.2000ની નોટોની જેમ હવે રૂ.100ની નોટોનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. માર્ચ 2021માં રૂ.100ની નોટોનું પ્રમાણ 6.7 ટકા હતું જે આ વર્ષે ઘટી 5.8 ટકા થયું છે.