શિખર ધવને કુલ 14 મેચમાં 38ની સરેરાશથી 460 રન બનાવ્યા હતા
ભારતના દિગ્ગજ ઓપનર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. પ્લેઓફ પહેલા જ IPLમાંથી બહાર થયા બાદ શિખર ધવને પોતાના ઘરનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમની સાથે લાતો-મુક્કા વડે મારપીટ થઈ રહી છે. જ્યારે પાછળ ઉભેલા પોલીસ અધિકારી શિખરના પિતાને પકડીને તેમને રોકી રહ્યા હોય તેમ જણાય છે.
હકીકતે આ સીઝનમાં શિખર ધવન પંજાબ માટે IPLમાં રમ્યા હતા. પંજાબની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઈ ન કરી શકી પરંતુ શિખર ધવને પંજાબ માટે સારૂં પ્રદર્શન આપ્યું હતું. તેમણે કુલ 14 મેચમાં 38ની સરેરાશથી 460 રન બનાવ્યા હતા. તેઓ IPLમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા નંબરે છે.
આ વીડિયોમાં જે વ્યક્તિ શિખર ધવન સાથે લાતો વડે મારપીટ કરી રહ્યા છે તે તેમના પિતા જ છે. તેઓ મજાકમાં પ્લેઓફથી બહાર થવા મામલે શિખરને માર મારવાની એક્ટિંગ કરી રહ્યા છે. તેમની એક્ટિંગ જોઈને હરભજન સિંહે કોમેન્ટમાં લખ્યું હતું કે, બાપુ તો તારાથી પણ મોટા એક્ટર નીકળ્યા, વાહ શું વાત છે. તે સિવાય કોમેન્ટેટર ગૌરવ કપૂરે પણ ‘હા..હા..હા.. ફુલ પર્ફોર્મર ફેમિલી’ એવી કોમેન્ટ કરી હતી.
શિખર ધવને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, મારા પિતાજી માટે નોકઆઉટમાં ક્વોલિફાઈ ન થવાનો આ મતલબ છે. સાથે જ લાફિંગ સ્માઈલીનો પણ ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સીઝનમાં પંજાબની ટીમ છઠ્ઠા નંબરે રહી છે.