Satya Tv News

પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની રવિવારના રોજ હત્યા કરવામાં આવી હતી. માનસા ખાતે તેમની ગાડી ઉપર 30થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૂસેવાલા પોતાના બંને કમાન્ડોને સાતે લીધા વગર બહાર નીકળ્યા હતા અને પોતાની બુલેટપ્રૂફ ગાડી પણ સાથે નહોતા લઈ ગયા.

પંજાબ સરકારે શનિવારે જ સિદ્ધૂ મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. મુખ્યમંત્રી ભગવંત માને કાયદો-વ્યવસ્થાનો હવાલો આપીને શનિવારના રોજ તાત્કાલિક અસરથી 424 VIP સુરક્ષા પાછી ખેંચી લીધી હતી જેમાં મૂસેવાલાનો પણ સમાવેશ થતો હતો.

પંજાબના DGP વીકે ભવરાએ સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની માહિતી આપી હતી. કેનેડાના લકીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. પોલીસને એવી આશંકા છે કે, સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પાછળ ગેંગવોર જવાબદાર છે.

વર્ષ 2021માં વિક્કી મુદ્દુખેરાની હત્યા થઈ હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તાજેતરમાં વિક્કીની હત્યામાં સામેલ 3 બદમાશોને ઝડપી લીધા હતા. પુછપરછ દરમિયાન ત્રણેય બદમાશોએ એક નામી સિંગરનો મેનેજર હત્યાકાંડમાં સામેલ હોવાનું જણાવ્યું હતું. એક અહેવાલ પ્રમાણે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા જ વિક્કીની હત્યામાં સામેલ હતો.

પોલીસને એવી શંકા છે કે, વિક્કી મુદ્દુખેરા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો માણસ હતો. તેના મૃત્યુનો બદલો લેવા માટે લોરેન્સ બિશ્નોઈએ પોતાના ઓપરેટિવ્સની મદદથી સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરાવી છે. કેનેડામાં રહેતો ગેંગસ્ટર ગોલ્ડી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ઓપરેટ કરે છે.

પંજાબના DGPએ હત્યાકાંડ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, ઘરેથી નીકળ્યા બાદ સિદ્ધૂ મૂસેવાલા 2 અન્ય લોકો સાથે કાર દ્વારા જઈ રહ્યો હતો ત્યારે સામેથી 2 કાર ધસી આવી હતી અને ફાયરિંગ થયું હતું.

મૂસેવાલા પાસે પંજાબ પોલીસના 4 કમાન્ડો હતા. તે પૈકીના 2ને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા જ્યારે બાકીના 2 કમાન્ડોને સાથે લીધા વગર જ સિદ્ધૂ બહાર નીકળ્યા હતા. હત્યાકાંડ બાદ મુખ્યમંત્રીના આદેશથી IG રેન્જને SITની રચના કરવા કહેવામાં આવ્યું છે. હત્યા માટે 3 હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શુભદીપ સિંહ સિદ્ધૂ એક પંજાબી ગાયક તરીકે સિદ્ધૂ મૂસેવાલા નામથી લોકપ્રિય હતા. મૂસેવાલા આગામી સપ્તાહે ગુરૂગ્રામ ખાતે પોતાનો શો કરવાના હતા. તે ગત વર્ષે નવેમ્બર મહિનામાં કોંગ્રેસમાં સામેલ થયા હતા અને માનસાથી કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. આમ આદમી પાર્ટીના ડો. વિજય સિંગલાએ તેમને હરાવ્યા હતા. સિંગલા માન સરકારના મંત્રી હતા અને તાજેતરમાં જ ભ્રષ્ટાચારના આરોપસર તેમને હટાવી લેવામાં આવ્યા છે.

error: