સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલ કોંકણ-ગોવા સુધી પહોંચી ગયું છે. આગામી એક-બે દિવસમાં મુંબઇ સાથે મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થશે. સંભવતઃ 15જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. 15 જૂન ચોમાસાના આગમન પૂર્વે શહેર-જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિ જોવા મળી શકે છે.
શુક્રવારે સાપુતારામાં પવન સાથે વરસાદ અને સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઇ ગઇ છે. આગામી 5 દિવસમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. જેમાં શહેરમાં 11થી 13 જૂનના રોજ મહુવા, માંગરોળ, ઉમરપાડાનાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. હવામાં ભેજનું વધુ પ્રમાણ જળવાય રહેશે.
દક્ષિણ-પશ્ચિમી પવનો સરેરાશ 14થી 16 કિલોમીટરની ઝડપ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 72 ટકા અને સાંજે 68 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 9 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઇ રહ્યા છે.