Satya Tv News

સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યૂષા ગરિમેલાનું શનિવાર, 11 જૂનના રોજ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. 35 વર્ષીય પ્રત્યૂષાની લાશ તેલંગાનાના બંજારા હિલ્સ સ્થિત ઘરમાંથી મળી હતી. પોલીસે શંકાસ્પદ મોતનો કેસ દાખલ કર્યો છે. પ્રત્યૂષા દેશની ટોપ 30 ફેશન ડિઝાઇનર્સમાંથી એક હતી.

માનવામાં આવે છે કે કાર્બન મોનોક્સાઇડ ગેસ સૂંઘવાથી પ્રત્યૂષાનું મોત થયું છે. આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે. લાશને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલ મોકલવામાં આવી છે. પ્રત્યૂષા ડિપ્રેશનથી પીડાતી હતી.

બંજારા પોલીસે કહ્યું હતું કે પ્રત્યૂષાના રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી છે. આ નોટમાં કોઈના પર આક્ષેપ કરવામાં આવ્યો નથી. ડિઝાઇનરે કહ્યું હતું, ‘હું એકલી હોઉં તેમ લાગતું હતું અને ડિપ્રેશનમાં છું.’ માનવામાં આવે છે કે તેણે આત્મહત્યા કરી છે. જોકે, હજી સુધી આ અંગે કંઈ જ કન્ફર્મ થયું નથી.

પોલીસને આ ઘટના જાણ પ્રત્યૂષાના સિક્યોરિટી ગાર્ડે આપી હતી. ગાર્ડે જ્યારે પ્રત્યૂષાને બોલાવી અને કોઈ જવાબ ના મળ્યો તો તેણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ દરવાજો તોડીને ઘરની અંદર ગઈ હતી. બાથરૂમમાં પ્રત્યૂષાની લાશ મળી હતી. પોલીસે તરત જ ફેશન ડિઝાઇનરના પરિવાર તથા મિત્રોને આ અંગે જાણ કરી હતી.

પ્રત્યૂષાએ અમેરિકાથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. પછી તેણે હૈદારબાદમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ શરૂ કર્યું હતું. 2013માં તેણે પોતાના નામથી લેબલ શરૂ કર્યું હતું.

પ્રત્યૂષાએ સાઉથ સિનેમા ઇન્ડસ્ટ્રી તથા બોલિવૂડમાં કામ કર્યું છે. તેણે માધુરી દીક્ષિત, રવીના ટંડન, કાજોલ, પરિણીતી ચોપરા, હુમા કુરૈશી, શ્રિયા સરન, કાજલ અગ્રવાલ, જૂહી ચાવલા, ગૌહર ખાન, ભૂમિ પેડનેકર સહિતના સેલેબ્સ સાથે કામ કર્યું છે.

એક્સપર્ટ્સના મતે, કાર્બનમોનોક્સાઇડ શરીરને ઓક્સિજન પહોંચાડતા રેડ બ્લડ સેલ્સને અસર કરે છે. આ ગેસના સંપર્કમાં આવ્યા બાદ વ્યક્તિને ચક્કર આવે છે. કાર્બન મોનોક્સાઇડ સૂંઘવાથી હિમોગ્લોબિન મોલિક્યૂલ બ્લોક થઈ જાય છે અને શરીરની ઓક્સિજન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર થાય છે.

વ્યક્તિ જ્યારે શ્વાસ લે છે, ત્યારે ઓક્સિજન હિમોગ્લોબિનમાં ભળી જાય છે. હિમોગ્લોબિનની મદદથી ઓક્સિજન ફેફસાંથી થઈને શરીરના અન્ય હિસ્સામાં પહોંચે છે. જોકે, ઓક્સિજનને બદલે કાર્બનમોનોક્સાઇડના સંપર્કમાં આવે તો તે હિમોગ્લોબિનમાં ભળતું નથી. તે હિમોગ્લોબિન મોલિક્યૂલને બ્લોક કરે છે. ઓક્સિજન ના મળવાને કારણે શરીરના સેલ્સ નબળા મળે છે અને કામ કરતાં બંધ થાય છે. આ રીતે વ્યક્તિનું મોત થાય છે

error: