Satya Tv News

બોલિવૂડમાંથી ફરી એકવાર ડ્રગ્સ કેસમાં ધરપકડના સમાચાર આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એક બાદ એક બોલિવૂડ સેલેબ્સનાં નામ ડ્રગ્સ કેસમાં સામે આવી રહ્યાં છે. આ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સનો લેવાનો આરોપ છે. એ બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તો આ મામલે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે કહ્યું હતું કે હું ફક્ત એક જ વાત કહી શકું છું કે આ સંભવ નથી.

બેંગલુરુ પોલીસે સિદ્ધાંત કપૂરની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે બાતમીના આધારે એમજી રોડ પરની એક હોટલમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ડ્રગ્સ સેવનના શંકાસ્પદ લોકોનાં સેમ્પલ મોકલ્યાં હતાં. તપાસમાં પોઝિટિવ મળી આવેલા છ લોકોમાં શ્રદ્ધા કપૂરના ભાઈના સેમ્પલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કહ્યું હતું કે એ સ્પષ્ટ નથી કે તેણે ડ્રગ્સનું સેવન પાર્ટીમાં આવીને કર્યું કે હોટલમાં કર્યું.

સિદ્ધાંતએ કરિયરની શરૂઆત 1997માં આવેલી ફિલ્મ ‘જુડવા’થી કરી હતી. સિદ્ધાંત કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એ અલગ વાત છે કે સિદ્ધાંતનું કરિયર ફ્લોપ રહ્યું છે. ફિલ્મો ઉપરાંત તેણે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં સિદ્ધાંતની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર NCBના રડારમાં આવી હતી. આ મામલે NCB ટીમ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધા કપૂર અને સુશાંતે સાથે ફિલ્મ ‘છિછોરે’ કરી હતી. શ્રદ્ધા કપૂર વિશે એવું કહેવાય છે કે તે ઘણી વખત લોનાવલા સ્થિત સુશાંતના ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં ગઈ હતી. પૂછપરછ દરમિયાન એક્ટ્રેસે NCBને જણાવ્યું હતું કે તે પાર્ટીમાં ગઈ હતી, પરંતુ તેણે ડ્રગ્સ લીધું નહોતું. શ્રદ્ધાએ ડ્રગ્સ લેવાનો સંપૂર્ણ ઇનકાર કર્યો હતો.

error: