છેલ્લાં કેટલાંક દિવસ થી વિજ પૂવરઠો ડામાડોળ થતા ઉદ્યોગપતિઓ ચિંતામાં
જેટકો ના સત્તાધીશો ઉદ્યોગો ની સમસ્યા પ્રત્યે નિદ્રાધીન
સમયસર વીજ પુરવઠો નહિ મળતા ઉત્પાદન પર અસર
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમિકલ ઝોન સ્થિત ઉદ્યોગો ને છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠા સંદર્ભે સમસ્યા ઉત્પન્ન થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે.જેટકોના અણઘડ વહીવટ ને પગલે વારંવાર ખોટકાતા વિજપૂરવઠા થી ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.સમયસર વીજ પુરવઠો નહિ મળતા ઉત્પાદન પર અસર થતા ઉદ્યોગપતિઓ ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે.
સાયખાં કેમિકલ ઝોન માં પાછલા થોડા સમયથી કોઈપણ કારણ કે આગોતરા માહિતી આપ્યા વિના જ વીજ પુરવઠો ડુલ થઈ જતો હોવાની ઉદ્યોગ જગત માંથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.એક તરફ ઉદ્યોગો ના વિકાસ માટે સરકાર દ્વારા ખાસ ધ્યાન આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યુ છે.ત્યારે સરકાર નું જ સાહસ ડી.જી.વી.સી.એલ. ઉદ્યોગો ને વીજળી બાબતે પડી રહેલી પરેશાની બાબતે આંખ આડા કાન કરી બે ધ્યાન તેમજ બિન્દાસ્ત વલણ દાખવતુ હોય તેમ લાગી રહ્યુ છે.વારંવાર ના વિજળી ડૂલ થવાને ને કારણે કેટલાક ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા પણ અટકાવી દીધી હોવાની આધારભૂત માહિતી સાંપડી છે.જેને લઈ ઉદ્યોગો ને આર્થિક માર વેઠવાનો વારો આવ્યો છે.વીજ પૂરવઠો ચોક્કસ સમયે અને અગાઉ થી જાણ કર્યા વિના જ વિજકાપ મુકાતો હોવાની બુમો પણ ઉઠવા પામી છે.જેટકો ના અધિકારીઓ ને ઉદ્યોગ જગતમાંથી અનેક વખત ફરિયાદો કરી હોવા છતાંય પરિણામ શૂન્ય રહેવા પામ્યુ છે.આ બાબતે સાયખાં જી.આઈ.ડી.સી. ના ઉદ્યગકારોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવા ચક્રો ગતિમાન કર્યાની માહિતી સાંપડી છે.અત્રે નોંધનીય છે કે ગતરોજ પણ દિવસ દરમિયાન મોટાભાગે ઉદ્યોગો ને વીજપુરવઠો ન મળતા સાયખાં જી.આઈ.ડી.સી. ના ઉદ્યોગો ને માઠી અસર પહોંચી હતી.ઉદ્યોગો ને પડી રહેલી વિજ સમસ્યા સંદર્ભે જેટકો ધ્યાન આપી સત્વરે વીજપુરવઠો નિયમિત મળી રહે તે માટે ગોઠવણ કરે તેવી લાગણી અને માંગણી ઉદ્યોગકારો માંથી ઉઠવા પામી છે.અત્રે નોંધનીય છે કે વાગરા વીજ તંત્ર ના જુનિયર એન્જીનીયર એસ પટેલ નો ટેલિફોનિક સંપર્ક પ્રસ્થાપિત થઈ શક્યો ન હતો.
વાગરા ના દહેજ ખાતે ભારતના સહુથી મોટા ડિસેલીનેશન પ્લાન્ટ ના લોકાર્પણ સમારોહ માં ગુજરાત ના નાથ ભુપેન્દ્ર પટેલ પધારનાર છે.તેવા ટાણે વાગરા તાલુકાના સાયખા જી.આઈ.ડી.સી. માં કાર્યરત ઉદ્યોગો ને નડી રહેલ વીજ સમસ્યા પ્રત્યે મુખ્યમંત્રી ધ્યાન ધરશે….??? કે માત્ર ને માત્ર ઉદ્યોગો ના ઉત્થાન માટે સરકાર દ્વારા કરાયેલા કામો ના બણગાં ફૂંકી ને આત્મસંતોષ માનશે…..??? એ તો આવનાર સમય જ બતાવશે.હાલ તો સાયખાં જી.આઈ.ડી.સી. ના ઉદ્યોગકારો વીજ સમસ્યા નું તાત્કાલિક નિરાકરણ આવે એ માટે મુખ્યમંત્રી સામે મિટ માંડી ને બેઠા છે.