Satya Tv News

બિહારના મોતિહારીમાં રવિવારે એક પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ટ્રેનની અંદર મુસાફરો હાજર હતા. રક્સૌલથી નરકટિયાગંજ જતી ટ્રેનમાં સવારે 6.10 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. રેલવે કર્મચારીઓને આ અંગેની જાણ થતાં જ ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી. આ દરમિયાન મુસાફરોએ પણ ટ્રેનમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો.ટ્રેનની નજીક હાજર કર્મચારી સ્ટાફ પણ કોચમાં પહોંચી ગયો હતો અને લોકોને નીચે ઉતાર્યા હતા. આ પછી એન્જિન સાથે જોડાયેલ કોચને અલગ કરી દેવામાં આવ્યો હતો. હવે આ કોચને બીજા એન્જિન સાથે જોડીને નરકટિયાગંજ લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુસાફરો પણ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું કહેવાય છે.

05541 પેસેન્જર ટ્રેન રક્સૌલ જંક્શનથી દરરોજ સવારે 5:10 વાગ્યે ઉપડે છે. આ દરમિયાન, રવિવારે જ્યારે ટ્રેન રક્સૌલના ભેલાહીના બ્રિજ નંબર 39 પાસે પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. જ્યારે ત્યાં હાજર રેલવે કર્મચારીઓએ ધુમાડો જોયો તો જાણવા મળ્યું કે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી.
કર્મચારીઓની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી હતી. કર્મચારીઓએ સમયસર ટ્રેનના એન્જિનને કોચથી અલગ કરી દીધું હતું, જેના કારણે બીજા કોચમાં આગ આગળ વધી શકી નહોતી.

રક્સૌલ સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટ અનિલ કુમાર સિંહે જણાવ્યું કે, સવારે ટ્રેન રાબેતા મુજબ ચાલી હતી. આ દરમિયાન, અચાનક ટ્રેનના એન્જિનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતા જ તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેનનાં એન્જિનને સમયસર અલગ કરી દેવામાં આવ્યું હતુ.

જો કે, કોઈપણ મુસાફર અને ડ્રાઈવરને ઈજા થઈ ન હતી. ટ્રેનને બીજું એન્જિન લગાવીને નરકટિયાગંજ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવશે.

error: