ભરૂચ જિલ્લાના 300 અમરનાથ યાત્રાળુઓ સુરક્ષિત,
એક પણ યાત્રી વાદળ ફાટવાની ઘટનામાં પ્રભાવિત નહીં
જિલ્લાના તમામ યાત્રી સુરક્ષિત હોવાની અત્યાર સુધીની માહિતી: કલેકટર
અમરનાથ પવિત્ર ગુફા પાસે શુક્રવારે આભ ફાટવાની કુદરતી હોનારતમાં ભારે ખાના ખરાબી અને જાનહાનિ થઈ છે. જોકે, ભરૂચ જિલ્લાના હાલ અમરનાથ ગયેલા 300 શ્રદ્ધાળુઓ હેમખેમ સુરક્ષિત હોવાના અહેવાલો વહીવટી તંત્રને સાંપડ્યા છે.
અમરનાથ પવિત્ર ગુફા પાસે વાદળ ફાટ્યા બાદ ભારે પાણીના પ્રવાહ સાથે ભેખડો ધસી પડવાની ઘટનામાં તળેટીમાં ગુફા નીચે રહેલા કેટલાય શ્રદ્ધાળુઓ, ટેન્ટો અને 2 ભંડારા તણાયા હતા. કુદરતી દુર્ઘટનામાં 13થી વધુ અમરનાથ યાત્રીના મૃત્યુ થયા છે. જ્યારે કેટલા લાપતા બન્યા હતા. જે બાદ સુરક્ષા જવાનો, તંત્ર સહિતે રેસ્ક્યૂ ઓપરેશન તેજ બનાવી દીધું હતું.
ભરૂચના યાત્રાળુઓ સુરક્ષિત બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી પણ ટ્રેન, ટ્રાવેલ્સ દ્વારા લકઝરી બસ અને ગ્રુપમાં ગયેલા અમરનાથ યાત્રીઓને લઈ પરિવારજનો ચિંતિત બન્યા હતા.જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાંથી અમરનાથ ગયેલા શ્રદ્ધાળુઓ દુર્ઘટનાથી પ્રભાવિત થયા હોવાના કોઈ અહેવાલ આવ્યા નથી. હાલ સુધી તમામ સુરક્ષિત હોવાની માહિતી તંત્રને સાંપડી રહી છે. તંત્ર સતત આ અંગે રાજ્ય અને હેલ્પલાઇનના સંપર્કમાં છે.
300થી વધુ યાત્રીઓ અમરનાથની યાત્રાએભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટ એ કહ્યું હતું કે, જિલ્લામાંથી હાલ 300થી વધુ યાત્રીઓ અમરનાથની યાત્રાએ છે. જેમાં બે બસ તો જમ્મુમાં જ અહીં છે. અગાઉ એક બસના યાત્રીઓએ સુરક્ષિત યાત્રા પૂર્ણ કરી બાબા બરફાનીના દર્શન કરી લીધા છે. જિલ્લાના તમામ શ્રધ્ધાળુ સુરક્ષિત અને સલામત હોવાથી હાલ રાહતની લાગણી ફેલાઇ છે.
બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ભરૂચ