ચોમાસાની સાથે જ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતો હોય છે. વરસાદના કારણે પાણીની લાઈનમાં લીકેજ વગેરે કારણસર પીવાનું પાણી પ્રદૂષિત બને છે અને વિવિધ રોગ ફાટી નીકળતા હોય છે. તાજેતરમાં
ઓડિશાના રાયગઢ જિલ્લામાં દૂષિત પાણી પીવાના કારણે 6 લોકોના મોત થયા છે અને તે સિવાય 71 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તે સિવાય પણ અનેક લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં પ્રદૂષિત પાણી પીવાના કારણે લોકોને ડાયેરિયા થઈ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. પાણી પીધા બાદ લોકોને ઝાડા-ઉલટી થઈ ગયા હતા અને તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. રાજ્યની નવીન પટનાયક સરકારે આ મામલે સ્વાસ્થ્ય અધિકારીઓ પાસે રિપોર્ટની માગણી કરી છે. ઉપરાંત વિધાનસભામાં પણ આ મામલે ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. કોંગ્રેસે આ અંગે મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવેદનની માગણી કરી છે.
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા 3 દિવસો દરમિયાન કાશીપુર બ્લોકના વિભિન્ન ગામોમાંથી મૃત્યુ નોંધાયા છે. ત્યાર બાદ 11 ડોક્ટર્સની એક ટીમે પ્રભાવિત ગામોની મુલાકાત લઈને પાણી ઉપરાંત બીમાર દર્દીઓના લોહીના નમૂના એકત્રિત કરીને તેને તપાસ માટે મોકલ્યા છે.
રાયગઢ જિલ્લા કલેક્ટર સ્વધા દેવ સિંહના કહેવા પ્રમાણે બીમારીને વધારે ફેલાતી અટકાવવા માટે પાણીના દૂષિત સ્ત્રોતોને કીટાણુરહિત કરવામાં આવી રહ્યા છે. કાશીપુર બ્લોકમાં પાણીજન્ય બીમારીનો ઈતિહાસ પણ ખરાબ જ રહ્યો છે. 2008ના વર્ષમાં ડાયેરિયાના કારણે તે વિસ્તારના 100 જેટલા લોકોના મોત થયા હતા. જ્યારે 2010માં કોલેરાએ 100 જેટલા લોકોનો ભોગ લીધો હતો