ઉમલ્લા કોલીયાપાડા ગામે ખેતરમાં વાડ કરવા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો
બન્ને પક્ષે સામસામે કરી ફરિયાદ
ત્રણ મહિલાઓ સહિત કુલ પાંચ સામે ગુનો નોંધાયો
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના કોલીયાપાડા ગામે ખેતરમાં વાડ કરવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડામાં બન્ને પક્ષે સામસામે ફરિયાદો થઇ હતી.
કોલીયાપાડાના લખુબેન ચુનીલાલ વસાવાએ ઉમલ્લા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૧૯ મીના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં લખુબેનના પતિ ચુનીલાલભાઇ ખેતર સાફ કરતા હતા તે સમયે ગામના વજેસિંગભાઇ વસાવા ત્યાં આવીને કહેતા હતાકે આ અમારી જમીન છે, તમે કેમ સાફસફાઈ અને વાડ કરો છો? ત્યારબાદ આ બાબતે થયેલ ઝઘડામાં લખુબેનને ઇજા થતાં ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ સંદર્ભે ઉમલ્લા પોલીસમાં વજેસિંગ અરવિંદ વસાવા, રમીલાબેન વજેસિંગ વસાવા તેમજ રાધાબેન અર્જુન વસાવા ત્રણેય રહે.ગામ કોલીયાપાડાના વિરુધ્ધ ફરિયાદ લખાવવામાં આવી હતી. જ્યારે સામાપક્ષે ચંપાબેન અરવિંદભાઇ વસાવા રહે.કોલીયાપાડાનાએ ઉમલ્લા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૧૯ મીના રોજ ચંપાબેન ખેતરે આંટો મારવા ગયા હતા, તે સમયે ગામના ચુનીલાલ ઉક્કડ વસાવા ખેતરમાં કાંટા નાંખી વાડ કરતા હતા. અને લખુબેન ઉર્ફે લાડુ ચુનીલાલ વસાવા નજીકમાં ઢોર ચરાવતા હતા. તે વખતે ચંપાબેનના છોકરા વજેસિંગભાઇ અરવિંદભાઇ વસાવાએ ચુનીલાલભાઇને કહ્યુ હતુકે આ અમારી જમીન છે તેમાં તમે કેમ કાંટા નાંખી વાડ કરો છો? આ સાંભળીને ચુનીલાલભાઇ કુહાડી લઇને દોડી આવ્યા હતા અને કહેતા હતાકે આ તારા બાપની જમીન નથી. અમોને સરકારે ખેડવા આપી છે. તેમ કહીને વજેસિંગને ગાળો દઇને ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન ચંપાબેનને કુહાડીનો દસ્તો મારી દેતા તેઓ ઇજાગ્રસ્ત થતાં ઉમલ્લા સારવાર માટે લઇ જવાયા હતા. આ ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસમાં ચુનીલાલ ઉક્કડ વસાવા તેમજ લખીબેન ઉર્ફે લાડુબેન ચુનીલાલ વસાવા બન્ને રહે.ગામ કોલીયાપાડાના વિરુધ્ધ ફરિયાદ લખાવવામાં આવી હતી.
વિડિઓ જર્નલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા