તમિલનાડુના તિરૂવલ્લુર જિલ્લા ખાતેની એક શાળા હોસ્ટેલમાં વિદ્યાર્થીની મૃત હાલતમાં મળી આવી હતી. આ શાળાનું નામ સેક્રેડ હાર્ટ સ્કૂલ છે. પોલીસનું કહેવું છે કે, વિદ્યાર્થીનીના મૃતદેહ પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ નથી મળી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. તિરૂવલ્લુરના SP સેફાસ કલ્યાણે કહ્યું હતું કે, ‘વિદ્યાર્થીની લટકેલી હાલતમાં મળી આવી હતી. તેનાથી વધારે હું કંઈ કહી શકું તેમ નથી.’અધિકારીઓનું કહેવું છે કે, વિદ્યાર્થીનીના પરિવારના વિરોધને અનુલક્ષીને શાળામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સરલા નામની વિદ્યાર્થીની તમિલનાડુના તિરૂત્તાની ખાતેની રહેવાસી હતી. સરલાના ગામમાં કાયદો અને વ્યવસ્થા પડકારરૂપ ન બને તેથી પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસ રાજ્ય પોલીસની CB-CID વિંગને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સપ્તાહ દરમિયાનનો આ બીજો કેસ છે જેમાં શાળા હોસ્ટેલમાં કોઈ વિદ્યાર્થીની શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ હોય. આ અગાઉ 13 જુલાઈના રોજ કાલાકુરૂચી ખાતે એક ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની પણ શાળા હોસ્ટેલમાં શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીની મૃત્યુ બાદ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ હતું. વિરોધ પ્રદર્શન હિંસક થયા બાદ અનેક પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થઈ ગયા હતા. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ 15 બસોને આંગ ચાંપી દીધી હતી. આ કેસમાં શાળાના આચાર્ય સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને એક ચિઠ્ઠી પણ મળી હતી. આ ચિઠ્ઠીમાં બે શિક્ષકો ઉપર ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ મદ્રાસ હાઈકોર્ટૈ આદેશ આપ્યો હતો કે, ડોક્ટરોની એક ટીમ પોસ્ટમોર્ચમની રીપોર્ટનું વિશ્લેષણ કરે. હાઈકોર્ટે કહ્યું હતું કે, શિક્ષણ સંસ્થાઓમાં થતા આવા કેસોની તપાસ રાજ્ય પોલીસની CB-CID વિંગ કરશે.