જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે, દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવાના રહેશે.
જાહેર સલામતિ સમિતી દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે ૩૦ દિવસના ફૂટેજ સાચવવા પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે.
ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં નાગરિકોની સલામતી તથા સુરક્ષામાં વધારો કરવા CCTV કેમેરા લગાડવામાં આવેલા છે.
રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી CCTV સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર તા.1 લી ઓગસ્ટ-2022થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
આ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.