હરિયાણાના પંચકૂલામાં રોડ એક્સિડન્ટમાં સ્કેટબોર્ડ પર સવાર યુવકનું મોત થયું હતું. કેરળનો રહેવાસી અનસ હજસ પોતાના સ્કેટબોર્ડ પર કન્યાકુમારીથી કાશ્મીર જઈ રહ્યો હતો. આ અકસ્માત 2 ઓગસ્ટના રોજ થયો હતો જ્યારે તે પંચકુલાના પિંજોરથી હિમાચલ પ્રદેશના નાલાગઢ જઈ રહ્યો હતો. ત્યારે અનસને સવારે 7.30 વાગ્યાની આસપાસ પૂર ઝડપે આવી રહેલી ટ્રકે ટક્કર મારતા તેને નજીકની કાલકા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પિંજોર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી રામ કરણે કહ્યું- “તે તેના સ્કેટબોર્ડ પર હતો ત્યારે એક ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી અને ડ્રાઈવર સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે, કેટલાક સ્થાનિક લોકોએ ટ્રકનો નંબર નોંધી લીધો હતો. IPCની કલમ 304A અને 279 હેઠળ FIR નોંધવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.”