જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો બેબી પાઉડર આગામી વર્ષે ૨૦૨૩થી બજારમાં જોવા નહીં મળે. કંપનીએ ૨૦૨૩થી વૈશ્વિક સ્તરે ટેલ્ક આધારિત બેબી પાઉડરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે ૧૨૮ વર્ષથી દુનિયામાં વેચાતા આ પાઉડરનું બે વર્ષ પહેલા જ અમેરિકા અને કેનેડામાં વેચાણ બંધ કરાયું હતું. એક સમયે આ બેબી પાઉડર ભારતમાં નંબર-૧ હતો. જોકે, કેટલાક વર્ષોથી અમેરિકા સહિત દુનિયામાં આ પાઉડરથી કેન્સર થતું હોવાના કેસો થવાથી તેનું વેચાણ ઘટી ગયું છે.
આખી દુનિયામાં કરોડો મહિલાઓએ ક્યારેક ને ક્યારેક તેમના બાળકોને જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો બેબી પાઉડર જરૂર લગાવ્યો હશે. બ્રિટનની આ કંપનીની પ્રોડક્ટ ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય હતી અને તે માત્ર નામથી જ વેચાઈ જતી હતી. કંપનીએ ૧૮૯૪માં આ પ્રોડક્ટ શરૂ કરી હતી. પરંતુ આ પાઉડરથી કેન્સર થતું હોવા અંગે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કેસ થયા પછી કંપની આ પ્રોડક્ટ પર થયેલા કાયદાકીય કેસોથી કંટાળી ગઈ છે.
કંપનીએ કહ્યું કે, તે ટેલ્ક આધારિત બેબી પાઉડરનું વેચાણ બંધ કરી દેશે અને તેના બદલે કોર્ન સ્ટાર્ચ આધારિત બેબી પાઉડરનું વેચાણ કરશે. કંપનીએ બે વર્ષ પહેલાં જ અમેરિકા અને કેનેડામાં આ પાઉડરનું વેચાણ બંધ કરી દીધું હતું. કંપની પર આ પ્રોડક્ટ સામે અમેરિકામાં અંદાજે ૩૮,૦૦૦થી વધુ કેસ ચાલી રહ્યા છે. અનેક મહિલાઓએ દાવો કર્યો છે કે આ બેબી પાઉડરનો ઉપયોગ કર્યા પછી તેમને ઓવેરિયન કેન્સર થઈ ગયું.
અમેરિકન નિયમનકારે પણ દાવો કર્યો હતો કે, તેમને કંપનીના બેબી પાઉડરમાં કેન્સર પેદા કરનારા તત્વો મળ્યા છે. આ પાઉડરમાં એસ્બેસ્ટસ જેવું તત્વ મળે છે, જેનાથી કેન્સર થઈ શકે છે. અનેક ગ્રાહકોએ આ મુદ્દે કોર્ટ કેસ કર્યા હતા અને કંપનીએ હજારો કરોડો રૂપિયાનો દંડ ચૂકવવો પડયો હતો. કંપનીના વકીલે કહ્યું કે કંપનીએ અત્યાર સુધીમાં કોર્ટ-કચેરીના ચક્કરમાં ૭,૯૬૮ કરોડ રૂપિયા (અંદાજે એક અબજ ડોલર)ની ચૂકવણી કરી છે. કંપનીને ૩.૫ અબજ ડોલરનું પેમેન્ટ કરવા મજબૂર કરાઈ રહી છે. સેન્ટ લુઈસ રાજ્યમાં કોર્ટમાં કંપનીને ૨.૫ અબજ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે ૨૦ હજાર કરોડ કંપની પર આરોપ કરનારી ૨૦ મહિલાઓને આપવા માટે કહેવાયું છે. હજુ પણ દુનિયામાં અનેક જગ્યાએ આ પાઉડર સામે કેસ ચાલી રહ્યા છે. જોકે, કંપનીએ આ આરોપોનું ખંડન કર્યું હતું. કંપનીએ કહ્યું કે તેણે ઉત્તરીય અમેરિકામાં વેચાણ ઘટવાથી આ પ્રોડક્ટ હટાવી હતી.