જીએનએફસીના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કર્યો
મળેલા ભંડોળમાંથી ૨૨ ઈ-બાઈકની ખરીદી કરાશે
એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ લોકકલ્યાણના વિવિધ વિકાસ કામો અને લોકોપયોગી કાર્યો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોની સુખાકારી માટે જીએનએફસી-ભરૂચ યુનિટ દ્વારા તેમની નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (નાર્દેશ) અંતર્ગત નર્મદા જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહેલા કર્મયોગીઓ માટે ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા પૂરી પાડવાના હેતુસર ઈ-બાઈકની ખરીદી કરવા માટે રૂપિયા ૨૨ લાખનું ભંડોળ મંજૂર કરાયું છે.
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની(જીએનએફસી)-ભરૂચના સીએસઆર મેનેજર નિતેશ નાયક અને જનરલ મેનેજર (એચ.આર.) પંકજ સાંધ્યએ તા.૬ સપ્ટેમ્બર, મંગળવારે નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની કલેક્ટરાલય ખાતે રૂબરૂ મુલાકાત કરી કંપની દ્વારા ફાળવાયેલા રૂપિયા ૨૨ લાખની રકમનો ચેક અર્પણ કર્યો હતો. આ તબક્કે ચેક સ્વીકારતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ જીએનએફસી કંપનીનો આભાર વ્યક્ત કરી તેમના થકી આપવામાં આવેલા આ ભંડોળથી નર્મદા જિલ્લામાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ગામોમાં મેડિકલ સુવિધાને વધુ વેગવંતી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા નર્મદા જિલ્લા સીએસઆર એક્ટિવિટીના નોડલ ઓફિસર અને જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડેએ જણાવ્યું હતું કે, જીએનએફસી-ભરૂચ તરફથી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લાને આપવામાં આવેલા રૂપિયા ૨૨ લાખના ફંડમાંથી રૂપિયા એક લાખની કિંમતના એક એવા કુલ ૨૨ જેટલાં ઈ-બાઈકની ખરીદી કરવામાં આવશે. આ ઈ-બાઈક ખાસ કરીને દેડીયાપાડા અને સાગબારાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં આરોગ્યની કામગીરી કરી રહેલા કર્મીઓને આપવામાં આવશે. જેઓ આ ઈ-બાઇક થકી આરોગ્ય લક્ષી કિટ લઈને ગામેગામ ફરી સગર્ભા અને ધાત્રી માતાઓની પ્રાથમિક આરોગ્યની તપાસ કરી જરૂરી સુવિધાઓ પૂરી પાડશે. માત્ર એટલું જ નહીં પરંતુ આ ઈ-બાઇકની ખરીદી અને વપરાશથી ઈંધણની બચત થશે. એક વખતના ફુલ ચાર્જિંગથી ઈ-બાઈક ૮૦ કિ.મી. જેટલી સફર કાપી શકશે. ઈ-બાઈકનું મેઈન્ટેનન્સ પણ ખૂબ જ ઓછું અને નહીવત્ રહેશે. જે અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડવામાં પૂરક સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપલા