Satya Tv News

ગાંધીનગરમાં સેકટર – 16 માહિતી કમિશનર કચેરી પાસેથી એક્ટિવા લઈને પસાર થતા એક સિનિયર સિટીઝનને બે બાઇક પર આવેલા ચાર લૂંટારૃઓએ બાન લઈ નજીકનાં અંડરપાસ પાસે પડેલા મોટા ભૂંગળામાં ખેંચી જઈ બળ પ્રયોગ કરી ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને 5200 ની મત્તા લૂંટીને સુરક્ષિત પાટનગરનાં દાવાની પોલ ખોલી દેવામાં આવી છે. આ અંગે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં કાયદો વ્યવસ્થાનાં ધજાગરા ઉડાવી લૂંટારૃઓ એક પછી એક લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી લૂંટારૃ ગેંગ રાજયના પાટનગર ગાંધીનગરમાં ઉપરાછાપરી લૂંટની ઘટનાને અંજામ આપી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ગાંધીનગરના ધોરી માર્ગો તો અસુરક્ષિત હોવા ઉપરાંત હવે શહેરના આંતરિક માર્ગો પણ સુરક્ષિત નહીં રહેતાં સિનિયર સીટીઝનો ફફડી ઉઠયા છે. ગઈકાલે ભર બપોરે 62 વર્ષના સિનિયર સિટીઝનને બાનમાં લઈ લૂંટારૃઓ છરીની અણીએ લૂંટ કરીને નાસી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.

ગાંધીનગરના સેકટર – 14 પ્લોટ નંબર 130/2 માં રહેતાં દશરથભાઇ રેવનદાસ પટેલ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ બ્લોક નં.9, નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી ડીવાયએસઓ તરીકે નિવૃત થયા છે. ગઈકાલે બપોરે બાર વાગ્યાના અરસામાં ઘરેથી એક્ટિવા લઇને સચિવાલય ખાતે આવેલ એસ.બી.આઇ બેંકમાં જવા નિકળ્યા હતા.

ખ રોડ ક્રોસ કરી સેકટર – 15 (ફતેપુરા)ના વચ્ચેના રસ્તેથી ગ રોડ ક્રોસ કરી સેકટર – 16માં માહિતી કમિશ્નરની કચેરી નજીક પહોંચતા જ બપોરના આશરે સવા બારેક વાગ્યે અચાનક બે બાઇક ઉપર મોઢે રૂમાલ બાંધેલા ચાર ઈસમોએ એક્ટીવાને આંતરી લીધું હતું. અને દશરથભાઈને ધાક ધમકી આપી બાન માં લઈ નજીકમાં આવેલાં અંડરપાસ તરફ પડેલ મોટા ભુંગળા પાસે એક્ટીવા સાથે લઇ ગયા હતા.

બાદમાં ચારેય અજાણ્યા ઇસમો પૈકીનાં બે ઇસમોએ તેમને ચપ્પુ બતાવી કહેલું કે તારી પાસે જે હોય તે આપી દે નહિતર જાનથી મારી નાખીશું અને એક્ટિવા પરથી ઉતારી દશરથભાઈને જબરજસ્તીથી ભૂંગળાની અંદર લઈ ગયા હતા. આ ઘટનાથી વૃદ્ધ ગભરાઈ ગયા હતા અને બીકના માર્યા કઈ બોલી પણ શકતા ન હતા. ત્યારે બે ઈસમોએ તેમને પકડી રાખી બીજા ઈસમોએ ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને રોકડા 200 રૂપિયા લુંટી લીધા હતા. બાદમાં ચારેય જણાં બાઈક લઈને ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાથી હચમચી ઉઠેલા વૃદ્ધ દશરથ ભાઈનાં શર્ટના બટન પણ લૂંટારૃઓએ તોડી નાખ્યા હતા. ત્યારે જેમતેમ કરીને વૃદ્ધ ઘરે પહોંચ્યા હતા. અને પોતાના પુત્રને સઘળી હકીકત વર્ણવી હતી. આ મામલે વૃદ્ધની ફરિયાદના આધારે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

error: