શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે હૈદરભાઇની ચાલી પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે ગયેલા અજાણ્યા યુવાનને મગર ખેંચી ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક યુવાને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાને કરતા તુરતજ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. તે સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પહોંચી ગઇ હતી. બંને ટીમોએ સ્થાનિક યુવાનોની મદદ લઇ મગરના હુમલામાં ઇજા પામેલા યુવાનને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઝાડી-ઝાંખરામાં ઇજાગ્રસ્ત પડેલા યુવાનને શોધવા માટે રેસ્ક્યુ ટીમોને બેટરી અને મોબાઇલ ટોર્ચની મદદ લેવી પડી હતી.
મળેલી માહિતી પ્રમાણે શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે હૈદરભાઇની ચાલી આવેલી છે. આ ચાલી પાસેથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ નદી કિનારે ગયો હતો. દરમિયાન નદીમાં આવેલ મગર યુવાનનો પગ પકડી લીધો હતો. અને યુવાનને ઝાડી-ઝાંખરામાં ખેંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાને નજરે જોવાનો દાવો કરનાર સ્થાનિક ફારુકભાઇએ પ્રાણી ક્રૂર નિવાર સંસ્થાને જાણ કરતા હેમંત વઢવાણા પોતાની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા.
દરમિયાન આજ બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. બંને ટીમો નદી કિનારે ઝાડી-ઝાંખરામાં યુવાનને શોધવા માટે બેટરી અને મોબાઇલ ફોનની ટોર્ચ લઇને ગઇ હતી. જ્યાં યુવાન મગરની ગુફા પાસે બેભાન અવસ્થામાં પડેલા ઇજાગ્રસ્તને જોતા ચોંકી ઉઠી હતી. જોકે, રેસ્ક્યુ ટીમોએ સમય બગાડ્યા વિના ઇજાગ્રસ્ત યુવાનને ઉંચકીને સલામત સ્થળે લઇ આવી હતી. અને અગાઉથી તૈયાર રાખેલી એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
મોડી રાત્રે મગરના હુમલાનો ભોગ બનેલ યુવાન બેભાન હોવાના કારણે યુવાન ક્યાંનો રહેવાસી છે. અને નદી કિનારે શા માટે ગયો હતો. તે અંગેની કોઇ માહિતી મોડી સવાર સુધી મળી ન હતી. પરંતુ, યુવાન પોતે પાદરાનો હોવાનો ગનગણાટ કરતો હતો. આ બનાવમાં વિવિધ રેસ્ક્યુ એજન્સીઓ દ્વારા યુવાનને પોતે બચાવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, આ બનાવ અંગે હવે રાવપુરા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. યુવાન ભાનમાં આવ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી