Satya Tv News

અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. BRTS બસ સ્ટેન્ડ પરથી પણ લોકોને દૂર કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગી ત્યારે 25 જેટલા પેસેન્જર બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ બસ RTOથી મણિનગર જઈ રહી હતી.

મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ બીઆરટીએસ બસ સ્ટોપ થઈ હતી એ દરમિયાન બસ બંધ પડી ગઈ હતી અને એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના દરવાજા ખોલી તમામ પેસેન્જરને બહાર નીકળવા માટે કહ્યું હતું. બસમાંથી પેસેન્જર બહાર નીકળ્યા હતા અને વધુ ધુમાડો ફેલાતાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી પણ લોકોને સ્ટાફ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જોતજોતાંમાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

બીઆરટીએસ બસના આગળના ભાગમાં આગ લાગી હતી. આગને કારણે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પણ આગની ઝપેટમાં આવ્યું હતું, જોકે સમયસર ફાયરબ્રિગેડ પહોંચી જતાં બીઆરટીએસ બસ સ્ટેન્ડને વધુ નુકસાન થયું નથી. સવારના સમયે નોકરીનો સમય હોવાથી લોકો બીઆરટીએસનો વધુ ઉપયોગ કરતા હોય છે અને એ સમય દરમિયાન આ ઘટના બની હતી, જોકે ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના પેસેન્જરને નીચે ઉતારી લીધા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

error: