મુંબઈના પનવેલમાં એક ટ્યુશન શિક્ષકે 3 વર્ષની બાળકીને ગરમ ચીપિયાથી દઝાડી દીધી. આ ઘટના સપ્ટેમ્બર મહિનાની છે. ખારધરની એક સોસાયટીમાં રહેતી 3 વર્ષની બાળકી ટ્યૂશનમાં ભણવા માટે ગઈ હતી. તેઓ હોમવર્ક ન કરીને લાવી તો મહિલા શિક્ષકે સજા આપવા માટે ગરમ ચીપિયાથી દઝાડી હતી. બાળકીના શરીર પર અનેક જગ્યાએ દાઝી ગયાના નિશાન જોવા મળ્યા હતા.
બાળકી પોતાના ઘરે પહોંચતાં માતા-પિતાને આ ઘટના અંગે જાણ થઈ હતી. તેઓ બાળકીને જોઈને ડરી ગયા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે મહિલા શિક્ષક વિરૂદ્ધ બાળ શોષણની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે તેના માતા-પિતા તેને સાંજે 4 વાગ્યે ટ્યુશન ક્લાસમાં મૂકવા ગયા ત્યારે બાળકી સારી હતી. જ્યારે તેને લેવા માટે ગયા ત્યારે તે બોલી શકી ન હતી. તેના ઘૂંટણ, ખભા અને ચહેરા પર દાઝી ગયાના નિશાન હતા. બાળકી સાથે ભણતા અન્ય બાળકોએ જણાવ્યું કે, હોમવર્ક બરારબર નહોતું કર્યું, જેથી શિક્ષકે ગુસ્સામાં બાળકીને ચીપિયાથી દઝાડીને સજા આપી હતી.
પોલીસે આરોપી મહિલા શિક્ષકને કારણ બતાવો નોટિસ ફટકારી છે. ઉપરાંત સમગ્ર મામલે સબૂત જપ્ત કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. જો કે, શિક્ષકે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. આ ઘટના બાદથી સોસાયટીના અન્ય વાલીઓ પોતાના બાળકોને ટ્યુશનમાં મોકલતા અને આ મામલે બોલતા ગભરાઈ રહ્યા હતા.