Satya Tv News

વાયુ પ્રદૂષણના કારણે છોડના પર્ણો પીળા થઇ જતાં હોવાની 25થી વધારે ખેડૂતોની ફરિયાદ ઉઠી

જંબુસર તાલુકાના કારેલી તથા આસપાસના ગામોમાં તુવેર તથા કપાસના છોડના પર્ણો પીળા પડી જતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. કંપનીઓમાંથી છોડવામાં આવતાં ગેસના પ્રદુષણના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનો આક્ષેપ ગામના ખેડુતોએ કર્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા અને જંબુસર તાલુકાનો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ થતાં ખેતીનો દાટ વળી ગયો હોવાની ફરિયાદ ખેડુતો કરી રહયાં છે.

કપાસના પાકને વાયુ પ્રદુષણના કારણે નુકશાન થયું હોવાના મુદ્દે જિલ્લાભરમાં ઉહાપોહ મચી ગયો હતો અને આખો મુદ્દો રાજકીય પણ બન્યો હતો. કોરોનાની મહામારી બાદ જન જીવનની ગાડી પાટા પર આવી છે તેવામાં ફરી વાયુ પ્રદુષણથી પાકને નુકશાન થઇ રહયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

જંબુસર તાલુકાના કારેલી ગામના કોઠાવગાની સીમમાં આવેલાં ખેતરોમાં તુવેર અને કપાસના ડુક અને પાન ચીમરાઈને ખરી પડવા માંડયાં છે. કંપનીઓ દ્વારારાત્રે છોડવામાં આવતા કેમિકલ અને ગેસના કારણે આ પરિસ્થિતિ ઉભી થઇ હોવાની ફરિયાદ ખેડુતોએ કરી છે. પિલુદ્રા, દુધવાડા, કરખડી, ગજેરા જેવા ગામો તેમજ કેનાલ રોડ પર આવેલી જોખમી કેમિકલ વાળી કંપનીઓના કારણે ધરતી પુત્ર ચિંતાતુર બન્યો છે.

જંબુસર તાલુકામાં કપાસ તથા અન્ય પાકોની ખેતી કરવામાં આવે છે. આ વિસ્તારમાં જંગલી ભુંડ, વાનરો અને રોઝનો ત્રાસ જોવા મળે છે. ખાસ કરીને ભુંડો ખેતરોમાં ભેલાણ કરી નાંખતા હોય છે અને ભુંડોએ ખેડુતો કે શ્રમિકો પર હુમલા કર્યા હોય તેવા પણ બનાવો બન્યાં છે. પ્રાણીઓ બાદ હવે ખેડુતો માટે કંપનીઓ જોખમરૂપ બની રહી છે.

error: