હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સના ચાર ડીરેક્ટરોએ છેતરપિંડી કરી
હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સ બંધ કર્યા બાદ ૯૨ મેટ્રિક ટન ટાયર બનાવવાના રો-મટિરિયલ્સ ચાઉં કર્યું
દહેજ પોલીસ મથકે ATC ના ફાયનાન્સ આસી. જનરલ મેનેજરે વડોદરા અને હાલોલના ડિરેક્ટરો સામે ગુનો નોંધાવ્યો
વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ સામંતપોર ગામે આવેલી ATC ટાયર કંપની સાથે હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સના ચાર ડીરેક્ટરોએ રૂ.૧.૬૦ કરોડની છેતરપિંડી કર્યાની દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.દહેજ પોલીસે ફરિયાદ ના આધારે તપાસ આરંભી હતી.
વાગરા તાલુકાના સામંતપોર ખાતે આવેલી ATC કંપની ટાયરનું ઉત્પાદન કરે છે.અને અન્ય કંપનીઓને રો-મટિરિયલ્સ આપી ટાયરના કેટલાક ભાગ ઓર્ડર આપી બનાવડાવે છે.હાલોલ GIDC માં આવેલી ઇનોવેટિવ ટાયર અને ટ્યુબ્સ કંપનીને ATC દ્વારા જુલાઈ ૨૦૨૧ થી ટાયર કમ્પાઉન્ડ બનાવવા કાચો માલ આપવાનું શરૂ કર્યું હતુ.ડિસેમ્બર ૨૦૨૧ સુધી ATC કંપનીએ હાલોલની કંપનીને કુલ ૧૫૬૫ મેટ્રીક ટન કાચો માલ આપ્યો હતો.જે પૈકી ૧૩૪૭ મેટ્રિક ટન ટાયર કમ્પાઉન્ડ બનાવી આપ્યુ હતુ.ત્યારબાદ હાલોલનું ઉત્પાદન કંપનીએ બંધ કરી દેતા ૨૧૮ મેટ્રીક ટન એટીસી કંપનીને રો-મટિરિયલ્સ પરત કરાયુ ન હતુ.અનેકવાર જાણ કરવા છતાં ૧૨૧ મેટ્રીક ટન માલ પરત આપી વિશ્વાસ અને વાયદાઓ વચ્ચે આજદિન સુધી ૯૨ મેટ્રીક ટન જેની કિંમત રૂપિયા ૧ કરોડ ૬૦ લાખનો કાચો માલ પરત નહિ કરી પચાવી પાડ્યો હતો.આ અંગે ATC કંપનીના ફાયનાન્સ આસી. જનરલ મેનેજર આશુતોષ સોમાનીએ દહેજ પોલીસ મથકે હાલોલની કંપનીના ચાર ડિરેક્ટરો વડોદરા ખાતે રહેતા મુકેશ ગુણવત દેસાઈ, અરવિંદ રામકિશોર તાંબી અને હાલોલના કેયુર મધુસુદન બક્ષી તેમજ કલ્પનાબેન પ્રકાશ જોશીપુરા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ ને પગલે દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા