Satya Tv News

સોમવારથી માતાજીની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ ફરી મુકત પણે જાહેરમાં માતાજીની આરાધના કરવા તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવવનો અવસર આવ્યો હોય માઇભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં નવરાત્રિ પર્વની ખરીદી કરવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, માતાજીના મંદિરો પણ આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી નવરાત્રિના આયોજન થયા ન હતા. જોકે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો આવતા તમામ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે અને સરકાર દ્વારા પણ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આવતીકાલ સોમવારથી તા.26થી શરૂ થતા નવરાત્રિ મહોત્સવને ઉજવવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. શહેરમાં જાહેરમાં મોટા થતા આયોજનમાં આંબાવાડી વિસ્તારમાં થઈ રહ્યા છે જેમાં દર વર્ષે 5થી 7 હજાર બહેનો રાસની રમઝટ બોલાવે છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં સ્વસ્તિક ગ્રૂપ દ્વારા ખાસ બહેનો માટે જ આયોજન કરવામાં આવે છે.

ભાવનગર શહેરના અંબાજી, બહુચરાજી, ચામુંડામા તેમજ મહાકાળી માતાજી સહિત મંદિરોમાં નવરાત્રિ પૂર્વેજ આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે લોકો પણ પોતાના ઘરે ગરબા તથા માતાજીના સ્થાપન કરતા હોય છે તેની પણ તૈયારીઓ કરાઇ રહી છે. બજારમાં માતાજીની ચુંદડી, હાર, તોરણ, પૂજાનો સામાન, અગરબતી સહિતની ખરીદીમાં લોકો વ્યસ્ત બન્યા છે. માઇભક્તો પણ નવ દિવસ સુધી માતાજીના અનુષ્ઠાન કરવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ ખેલૈયાઓ પણ ઉત્સાહિત છે અને રાસ ગરબા માટેની મોટા ભાગની તૈયારીઓ અગાઉથી જ કરી લેવાય છે.

આ વખતે ભાવનગર શહેરમાં ત્રણેક જેટલા પ્રોફેશનલ આયોજન કરવામાં આવ્યા છે પણ આ વર્ષે મોંઘવારીને કારણે દરવર્ષે સિઝન પાસના ભાવો કરતા આ વર્ષે વધારો જોવા મળ્યો છે જેના કારણે મોટા ભાગની જ્ઞાતિઓ દ્વારા પોતાના સમાજ માટે રાસ ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શેરીએ શેરીએ પણ ગરબાના આયોજનો થવાના હોય લોકોમાં નવરાત્રિને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

error: