બહાદરપુરમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો
ત્રીજા નોરતે વરસાદની આગાહી કરાઈ હતી
તો પણ ખેલૈયાઓ એ મન મૂકીને ગરબા રમ્યા
નવરાત્રિના પહેલા દિવસથી જ વરસાદી વાતાવરણના પગલે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ગઈકાલે ત્રીજા નોરતે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં હળવાથી વધુ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી, જેની અસર આજે ત્રીજા દિવસે વહેલી સવારથી જિલ્લામાં જોવા મળી રહી હતી. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. વરસાદની શક્યતાને પગલે લોકોની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ છોટાઉદેપુરના બહાદરપુર ગામના ગરબારસિકોમાં આ વરસાદી વિઘ્નની કોઈ જ અસર જેવા મળી નહોતી. ધોધમાર વરસાદમાં પણ ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
નવરાત્રિમાં નાનાં નાનાં ગામમાં શેરી ગરબાનું અનેરું મહત્ત્વ રહેલું છે. બે દિવસથી વરસાદની આગાહીને લઇને ગરબારસિકો મૂંઝવણ અનુભવતા હતા, પરંતુ સાથોસાથ ગરબા રમવા પણ થનગની રહ્યા હતા. ત્રીજા નોરતે છોટાઉદેપુરના બહાદરપુર ખાતે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, પરંતુ ગરબારસિકો ગરબા રમવા આતુર બની ગયા હતા, એટલે ચાલુ વરસાદમાં જ ગરબા રમ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં હળવાથી વધુ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી, જેની અસર ત્રીજા દિવસે વહેલી સવારથી જ છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાને પગલે લોકોની ચિંતામાં વધારો થયો હતો. નવરાત્રિના બે દિવસમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે ગઈકાલે સવારથી જ હળવા વરસાદની શરૂઆત થઈ હતી.