Satya Tv News

પાલિકા દ્વારા મહિલા-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરી
નવલી નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકાની પહેેલ
​​​​​​​ભરૂચ પોલીસ દ્વારા પણ પ્રથમવાર હેડક્વાટર્સ ખાતે આયોજન કરાયું

ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષાને લઇને અનોખી પહેલ શરૂ કરાઇ છે. રાત્રીના 9 કલાકથી 12 વાગ્યા સુધી શહેરમાં સિટી બસમાં ફ્રી મુસાફરીનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં અનેક નાના-મોટા ગરબાઓનું આયોજન થયું છે. ત્યારે ગરબા ગ્રાઉન્ડ પર મહિલાઓની સુરક્ષાને લઇને દરવખતે પ્રશ્ન સર્જાતો હોય છે. ત્યારે જિલ્લા એસપી ડો. લીના પાટીલ દ્વારા પ્રથમવાર પોલીસ હેડક્વાટર્સના ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન કર્યું છે.

પોલીસકર્મીઓના પરિવાર સહિત શહેર-જિલ્લાના નાગરિકો માટે ફ્રીમાં ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ નવરાત્રીના પર્વને લઇને અનોખી પહેલ કરી છે. શહેરમાં રાત્રીના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી શહેરમાં સિટી બસ ચાલુ રાખવામાં આવશે. જેમાં મહિલાઓ અને બાળકોને મફતમાં મુસાફરી કરાવવામાં આવશે. જેમાં બે રૂટ પર સિટી બસ દોડશે. જેમાં એક રૂટ પર સિટી બસ સોનેરી મહેલથી પાંચબત્તી થઇ શક્તિનાથ સુધી પહોંચશે. જ્યારે બીજા રૂટ પર ભરૂચના રેલવે સ્ટેશનથી પાંચબત્તી, બંબાખાના થઇ પોલીસ હેડક્વાટર્સ ખાતેના ગરબા ગ્રાઉન્ડ સુધી સિટી બસ દોડશે. ત્યારે પાલિકા દ્વારા શહેરની મહિલાઓને આ સેવાનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે. થોડા મહિનાઓ અગાઉ પણ નગરપાલિકાએ રક્ષાબંધનના દિવસે આખો દિવસ મહિલાઓ માટે સીટીબસમાં મફત મુસાફરીની સવલત પુરી પાડી હતી.

error: