Satya Tv News

26 માર્ચ 1930 ના રોજ દાંડીકૂચ વેળા બાપુએ તેમના 89 સાથીઓ સાથે સેવાશ્રમમાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે વિરાટ સભા સંબોધી હતી
ગાંધીજીને સાંભળવા તે સમયે 50000 ની વસ્તી સામે રાજ્યભરમાંથી 100000 ની મેદની ઉમટી હતી

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની 153 મી જન્મજયંતીની ઉજવણી દેશમાં ભવ્યાતિભવ્ય કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ પણ મીઠાના સત્યાગ્રહથી લઈ સ્વરાજ સુધીની ચળવળમાં 12 વખત બાપુની હાજરીનું સાક્ષી બન્યું હતું. દાંડીયાત્રા વેળા ગાંધીજીએ તેમના 79 સાથીઓ સાથે 26 માર્ચે ભરૂચમાં પ્રવેશી આજથી 92 વર્ષ પહેલાં સેવાશ્રમ હોસ્પિટલના ગેસ્ટહાઉસમાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે બપોરે જાહેરસભા યોજી હતી.

12 માર્ચ , 1930 અમદાવાદથી 388 કિલોમીટર પગપાળા યાત્રા કરી દાંડીકૂચ મીઠાના સવિનય કાનૂન ભંગ માટે ગાંધીજીએ 25 દિવસનો સત્યાગ્રહ નક્કી કર્યો ત્યારે સરદાર પટેલ ગાંધીજીનો સંદેશો લઈ ગુજરાતમાં ફરતા ફરતા 23 ફેબ્રુઆરી , 1930ના રોજ ભરૂચ આવી સભાને સંબોધી હતી .

સરદારે તેમની તેજાબી વાણીમાં રણટંકાર કર્યો હતો. ભરૂચમાં પણ સરદારના રણટંકાર બાદ અંગ્રેજોએ મીઠા ઉપર નાખેલો સવા રૂપિયાનો કર , સામે લોકજુવાળ છલકાઈ ઊઠ્યો હતો. દરમિયાન દાંડીયાત્રા શરૂ થઈ અને જોતજોતામાં ભરૂચ માટે 26 માર્ચ , 1930 નો ઐતિહાસિક દિવસ આવી ગયો હતો.

ગાંધીજી તેમના 79 સાથીઓ સાથે સેવાશ્રમ ગેસ્ટહાઉસ ખાતે આવી પહોંચ્યા હતા , જ્યાં રાત્રે ડો . ચંદુભાઈ દેસાઈ ( છોટે સરદાર ) એ મહાત્મા ગાંધી અને તેમના સાથીઓ માટે રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા કરી બીજા દિવસે બપોરે ગાંધીજીએ ભરૂચ ઉપરાંત રાજ્યભરમાંથી આવી ગયેલા લોકોને સંબોધતા જાહેર સભા કરી હતી , જેમાં તેઓએ જણાવ્યું હતું કે , સત્યાગ્રહ જગતની લાગણી ઉશ્કેરીને જ ચાલી શકે , હિંદુસ્તાન 10 વર્ષથી જે ઝંખે છે તે સ્વરાજ પ્રાપ્તિ માટે , એટલે જ સવિનય ભંગ કરવા મોડે મોડે નીકળ્યો છું.

વિરાટ મેદનીને સંબોધતા બાપુએ કહ્યું હતું કે , હું તો આશીર્વાદ લેવા નીકળ્યો છું. ગામે ગામ ફરતો આશીર્વાદ મેળવી રહ્યો છું. આશા છે કે દાંડી પહોંચી જાઉ ત્યાં સુધી આ આશીર્વાદનો એટલો મોટો પહાડ થઈ જશે કે , ગમે તેવી અંગ્રેજી રાક્ષસી સલતનત પણ તેને પ્રતાપે ટાઢીબોળ થઈ જશે.

પ્રાર્થના બાદ સભા પૂરી થતાં સરઘસની તૈયારી થઈ સમગ્ર ભરૂચ અને હજારોની જનમેદની વચ્ચે સેવાશ્રમ હોસ્પિટલથી ગાંધીજીએ સરોજિનીદેવીનો હાથ પકડી દાંડી માટે કૂચ શરૂ કરી હતી. સેવાશ્રમથી સોનેરી મહેલ , જવાહર બજાર , રણછોડજીનો ઢોળાવ થઈને સરઘસ નવચોકીના ઓવારે જવાનું હતું

ભરૂચમાં આટલું વિશાળ સરઘસ અને તેને જોવા આવનાર બહારની આટલી જનમેદની ભરૂચની પ્રજાએ પહેલી જ વાર નિરખી હતી. સાંકડા માર્ગો પર બાપુને જોવા માટે પડાપડી સર્જાઈ હતી . સડસડાટ ચાલતાં બાપુ તેમના 79 સાથીદારો સાથે કૂચ બજારને વીંઝતી નવચોકીના ઓવારે પહોંચી , જયાંથી અંકલેશ્વર જવા માટે 10 હોડી તૈયાર કરવામાં આવી હતી.

error: