રો-રો ખરેખર રડાવવાની જ સર્વિસ છે:મુસાફરનો આક્રોશ
નાનાં નાનાં બાળકો પણ વહેલી સવારથી સાથે હોવાથી હેરાન-પરેશન થઈ ગયાં
હજીરા રો-રો ફેરી સ્ટેશને મુસાફરોનો રોષ
મુસાફરોએ રો-રો ફેરી સર્વિસ સામે હાય હાયના નારા લગાવ્યા
સવારે 8 વાગ્યાને બદલે 11 વાગ્યા પછી રોરો ફેરી ઊપડશે તેવા જવાબ મળતા મુસાફરો હેરાન-પરેશાન
1000 જેટલા મુસાફરો હેરાન-પરેશાન થયા
લોકો 4 કલાક સુધી અટવાાઈ ગયા હતા
ગામડે પૂજામાં સમયસર પહોંચવા રો-રો ફેરીમાં બુકિંગ કરાવ્યું
સુરતના હજીરાથી ઘોઘા જતી રો-રો ફેરીના સમયમાં ફેરફાર કરવામાં આવતા મુસાફરો અટવાયા હતા. વહેલી સવારથી રોરો ફેરીના સ્ટેશન ખાતે મુસાફરો પહોંચી ગયા બાદ સમયસર શરૂ ન થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યાને બદલે 11 વાગ્યા પછી રોરો ફેરી ઊપડશે તેવા જવાબ મળતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા હતા. લોકો સવારે 7 વાગ્યાથી હજીરા સ્થિત રો-રો ફેરી ટર્મિનલ ખાતે આવી ગયા હતા. જેથી લોકો 4 કલાક સુધી અટવાાઈ ગયા હતા.
સુરતના હજીરા ખાતેથી ભાવનગરના ઘોઘા સુધી દરિયા માર્ગેથી રો-રો ફેરી સુવિધા ચાલી રહી છે. સુરતથી રો-રો ફેરીનો ઊપડવાનો સમય સવારે 8 વાગ્યાનો છે. જેને લઇને મુસાફરોએ 7 વાગ્યા સુધીમાં આવી જવું પડતું હોય છે, જોકે, આજે કોઈ કારણોસર રો-રો ફેરી સમયસર ઊપડી શકી નથી. જેને લઇ યાત્રીઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. સવારે 8 વાગે ઊપડતી રો-રો ફેરી ક્યારે ઊપડશે તેનો મુસાફરોને કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. બાદમાં 11 વાગ્યા બાદ ઊપડશે તેવું મુસાફરોને જણાવવામાં આવ્યું હતું. જેને લઈને વહેલી સવારના આવેલા મુસાફરો રોષે ભરાયા હતા.
વહેલી સવારથી રો-રો ફેરીમાં જવા માટે પહોંચેલા યાત્રીઓએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, સુરતથી ઘોઘા પહોંચવાનો સમય 3 કલાકનો છે. 7થી 8 કલાકની મુસાફરી 3 કલાકમાં પૂર્ણ થતી હોય તો આમાં જવું જોઈએ એવું સમજીને અહીં આવ્યા હતા. એની જગ્યાએ 10થી 11 કલાકે મુસાફરોને પહોંચાડશે. સવારે 8 વાગ્યાનો ઉપાડવાનો સમય એટલે મુસાફરોને પહોંચવા માટે 7 વાગ્યે પહોંચવાનું જણાવે છે અને હવે 11 વાગ્યા સુધી ફેરી ઊપડવાની નથી એવું જણાવે છે. જેને લઇ અમે ખૂબ હેરાન થઈ ગયા છીએ.
વધુમાં જણાવ્યું હતું કે, અમે 10થી 15 મિનિટ મોડા આવીએ તો રો-રો ફેરી સિસ્ટમના અધિકારીઓ એમ કહે છે કે, જવા નહીં દેવામાં આવશે, તેઓ 3થી 4 કલાક મોડા ચાલી રહ્યા છે, તો બધું બરોબર લાગે છે. ઓછામાં ઓછા એક હજાર મુસાફરો આવ્યા છે. 10થી 15 નાની મોટી ગાડીઓ અને 25થી 35 નાની ગાડીઓમાં સવારના 6 વાગ્યાના મુસાફરો આવ્યા છે. પરંતુ, ટર્મિનલ પર કોઈ જવાબ આપવાવાળું પણ જોવા મળતું નથી. નાનાં નાનાં બાળકો પણ વહેલી સવારથી સાથે હોવાથી હેરાન-પરેશન થઈ ગયાં છે.
રો રો ફેરીને સમયસર ન ઉપાડવાને કારણે અનેક યાત્રીઓના કાર્યક્રમો ખોરવાઈ ગયા છે. એક મહિલા મુસાફરે જણાવ્યું કે, અમારે ગામડે પહોંચવા 14 થી 15 કલાકનો રસ્તો કાપવો પડે તેમ હતો. તો એની કરતાં રો-રો ફેરીમાં વહેલાં પહોંચી જઈશું એટલે આમાં બુકિંગ કરાવ્યું હતું. અમારે ઘોઘાથી ગામડે બીજા ચાર કલાકનો રસ્તો છે, પરંતુ આ તો અહીંથી જ મોડું કરે છે. અમારે ત્યાં નવરાત્રિની પૂજામાં બેસવાનું છે. હવે કઈ રીતે બેસી શકીશું.
રો-રો ફેરી ટર્મિનલ પર મુસાફરોને કોઈ સંતોષકારક જવાબ ન મળતા મુસાફરો લાલઘૂમ થયા હતા .રોષે ભરાયેલા એક મુસાફરેતો જણાવ્યું હતું કે, આ સર્વિસ લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. અહીં કોઈ આયોજન નથી. રસ્તા પર કોઈ બોર્ડ નથી લગાવ્યાં કે, મુસાફરોએ કઈ જગ્યાએ જવાનું છે. સુરતથી આવતા અમને એક કલાકથી વધુ સમય થઈ જાય છે. રસ્તાઓ પર ખાડા જ ખાડા છે. નેતાઓ બોલે છે ખૂબ જ સારી સર્વિસ છે, પણ અહીં તો કોઈ જાતની સર્વિસ જ નથી. મુસાફરોને હેરાન કરી રહ્યા છે. મુસાફરો રડી રહ્યા છે. ખરેખર નામ પ્રમાણે રો રો એટલે રડાવવાની જ સર્વિસ છે. પાંચ-પાંચ કલાક લેટ ચાલવાની હોવા છતાં અહીં પાણીની વ્યવસ્થા નથી, રોકાવાની વ્યવસ્થા નથી. અમે સરકારને કહીએ છીએ તમે માત્ર બોલવા માટે સારી સિસ્ટમ ચાલુ કરી છે, પણ અહીં કોઈ સિસ્ટમ ચાલતી જ નથી.
વહેલી સવારથી ઊઠીને સમયસર પહોંચવા માટે રો-રો ફેરી ટર્મિનલ પર પહોંચેલા યાત્રીઓને પરેશાનીનો સામનો થતાં રો-રો ફેરી સર્વિસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ, મહિલાઓ પરેશાન થઈ જતાં મુસાફરોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સમયસર સર્વિસ ન શરૂ થવા માટે કોઈ જવાબ આપનાર નહીં, બેસવાની સુવિધા નહીં, પાણીની સુવિધા નહીં, જેને લઇ યાત્રીઓ સર્વિસની સામે લાલઘૂમ થયા હતા. જેને લઈ તમામ યાત્રીઓ રોરો ફેરીના ટર્મિનલ પર જ હાય રે રો રો ફેરી હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત