Satya Tv News

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ સહિત ૧૫ થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો એ કેસરિયો ધારણ કર્યો

ચૂંટણી પહેલા જ વાગરા વિધાનસભા બેઠક પર ભાજપ વધુ મજબુત બન્યુ : કોંગ્રેસ વેર-વિખેર

ચાંચવેલ,મુલેર,બદલપુરા,મોસમ,પહાજ,લીમડી,

જણીયાદરા,વસ્તીખંડાલી,વહિયાલ,સડથલા,પીપલીયા,સારણ,

કલમ,વાગરા,પખાજણ,ખડ ખંડાલી,સુતરેલ ગામોના અનેક અગ્રણીઓ તેમજ કાર્યકરો ભાજપમાં જોડાયા

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી છે.ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટીના આગેવાન મહેશ પરમાર સહિત આગલી હરોળના અનેક આગેવાનોએ કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થવાની શરૂઆત થઈ હતી.આ આઘાતની કળ વડે તે પહેલા જ કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે ૧૫ થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ધારણ કરતા વાગરા સહિત ભરૂચ જિલ્લા ના રાજકારણમાં ઉષ્મા પ્રસરી જવા પામી હતી.બીજી તરફ કોંગ્રેસીઓ ના પક્ષપલટા ને કારણે વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બનવા પામી છે.

વાગરા તાલુકાના સાયખાં ખાતે ભરૂચ જિલ્લા ભાજપ નું જન સંમેલન યોજાયુ હતુ.જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના સક્ષમ અને મોટા આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ,સાયખાના સરપંચ,જયવીરસિંહ રાજ,દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ,ચાંચવેલ તાલુકા પંચાયતના સભ્ય પતિ મુબારક પઠાણ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ચાંચવેલ ના યુનુસભાઈ સરપંચ સહિત ૧૫ થી વધુ ગામોના ૨૦૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.જેમને વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ એ ભાજપનો ખેસ પહેરાવી વિધિવત આવકાર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી ના પડઘમ વાગી રહયા છે ત્યારે એક તરફ રાજકીય પક્ષો અને સરકાર પણ ચૂંટણીની તૈયારીઓ માં જોતરાઈ ગઇ છે.ચૂંટણીલક્ષી રાજકારણ ધીરે ધીરે જામી રહ્યુ છે.તેવા સંજોગોમાં કોંગ્રેસના મહેલના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે.ભરૂચ જિલ્લામાં આગલી હરોળના કોંગ્રેસના અડીખમ આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.તેમ છતાં કોંગ્રેસ સંગઠન તાર તાર થઈ રહ્યુ છે.થિંગડા મારવાના લાખ પ્રયાસો છતાં ભરૂચ જિલ્લામાં અને તેમાંય પણ ખાસ કરીને વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ને ચૂંટણી પહેલા જ એક પછી એક આંચકા લાગી રહ્યા છે.જેની સીધી અસર આવનારી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે એમાં કોઈ બે મત નથી.ભાજપ માં જોડાયેલા લોકોને જિલ્લા ભાજપ પ્રમુખ અને વાગરા વિધાન સભા ના ધારાસભ્ય એ આવકારી તેઓની સાથે કોઈ અન્યાય નહિ થાય ની ખાતરી ઉચ્ચારી હતી.વાગરા તાલુકા પંચાયત માં કોંગ્રેસ પાસે માંડ બે બેઠક છે.એમાંથી પણ ચાંચવેલ બેઠક ના તાલુકા સભ્ય ના પતિ મુબારક પઠાણે કેસરિયો કરી લેતા કોંગ્રેસ ની હાલત અત્યંત નાજુક થઈ જવા પામી છે.

જર્નલિસ્ટ ઝફર ગદીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: