Satya Tv News

સુરતમાં નવરાત્રિ પર્વની આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઉમિયાધામમાં ૩૦ હજારથી વધુ દીવડાઓથી કરાઈ મહા આરતી
મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું

નવરાત્રિ પર્વમાં આઠમનું વિશેષ મહત્વ રહ્યું છે અને સુરતમાં નવરાત્રિ પર્વની આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આઠમના દિવસે ઉમિયાધામ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું.

કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારોની ઉજવણી થઈ શકી નહોતી. પરંતુ આ વર્ષે ધૂમધામપૂર્વક નવરાત્રિ ઉજવાઈ રહી છે. ત્યારે સુરતના ઉમિયાધામ મંદિર ખાતે 30 હજારથી વધુ દીવડાઓની મહાઆરતીથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. આઠમના નોરતે સવારથી જ તમામ માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. તમામ મંદિરોમાં આઠમને લઈને મહાપૂજા, મહાઆરતી સહિતના આયોજનો કરાયા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરમાં પણ મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે અહીં અતિ ભવ્યથી ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. હજારો લોકો અહીં આવે છે અને મહાઆરતીનો લાભ લે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ફરી એ જ ઉત્સાહ સાથે મહાઆરતી થઈ હતી. જેમાં એકસાથે ૩૦ હજારથી વધુ લોકોએ દીવડા સાથે મહાઆરતી કરી હતી. દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું. એકસાથે લોકોએ માતાજીની આરતી ઉતારી હતી. હાલમાં અહીં નવરાત્રિ પર્વને લઈને અદભુત લાઈટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેને લઈને અહીં આહલાદક નજારો જોવા મળ્યો હતો. ઉમિયાધામ મંદિરની મહાઆરતી ખૂબ જ લોકપ્રિય અને એક આકર્ષણનું માધ્યમ બને છે. આ આરતીનો લાભ લેવા દૂરથી લોકો આવે છે. શહેરના મહાનુભાવો આવતા હોય છે. આ વર્ષની આરતી માટે સુરતના સાંસદ દર્શના જરદોશ, સ્થાનિક ધારાસભ્યો, સુરતના મેયર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત જુદા જુદા સમાજના આગેવાનો અને દૂર દૂરથી ઉમિયાધામ મંદિરની મહાઆરતીનો લાભ લેવા શહેરીજનો અગાઉથી જ રજિસ્ટ્રેશન કરાવી દે છે. ઉમિયાધામ મંદિરમાં પરાપરાગત ગરબા પણ થાય છે. અહીં મહિલાઓ માથે ગરબીઓ મૂકીને ગરબે ઘૂમે છે. સાથે આઠમની મહા આરતી થાય છે.

વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સત્યા ટીવી સુરત

error: