Satya Tv News

ભત્રીજીઓ કહે છે પહેલા પપ્પાને બોલાવો,પછી જ વાત કરો,હવે એમને શું જવાબ આપું?
તેમના પત્ની નિરાલીબેન કઈ બોલવાની હાલતમાં જ નથી
ભાવિનભાઈને વિડીયો અને ફોટોગ્રાફીનો બહુ જ શોખ હતો

ભાભીને તો અમે સમજાવી દઈએ, પણ નાની દીકરીઓને અમે શું જવાબ આપીએ? જ્યારે ભાવિનભાઈનું ઓપરેશન હતું એ દિવસે બંને દીકરીને તેમના પપ્પાનું મોં જોવા બોલાવી તો તેમણે મને એવું પૂછ્યું કે કાકા, તમે મારા પપ્પાને પાછા લાવી શકશો? એ સમયે મેં કહ્યું હતું કે હા બેટા, હું પપ્પાને પાછા લાવીશ. હવે ભાવિનભાઈ નથી રહ્યા. દીકરીઓ મને કહે છે કે પહેલા તમે મારા પપ્પાને બોલાવો, પછી મારી સાથે વાત કરજો. હું શું જવાબ આપું મારી દીકરીને?’, રવિભાઈ પટેલ આટલું બોલતા જ અટકી જાય છે.

અમદાવાદના નરોડામાં રહેતા પટેલ પરિવાર માટે પહેલી ઓક્ટોબરનો દિવસ કાળ બનીને ત્રાટક્યો હતો. ઘરેથી ઝેરોક્સ લઈને નીકળેલા 38 વર્ષીય યુવાન ભાવિનભાઈ પટેલ જીવતા ફરી ઘરે પાછા નહોતા ફર્યા. નરોડાના મનોહરવિલા ચાર રસ્તાથી ઘરે આવતા હતા એ વખતે એક ગાય પાછળ કેટલાક કૂતરા દોડયા હતા, જેથી ગાય સામેના રસ્તા પરથી કૂદીને તેમના તરફ આવી હતી અને ભાવિનભાઈની બાઇક સાથે અથડાઈ હતી. એને પગલે તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની ખોપડીના પણ ટુકડા થઈ ગયા હતા. સરળ સ્વભાવના અને સૌના લાડલા ભાવિનભાઈ પટેલનું પળવારમાં પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ભાવિનભાઈને પત્ની નિરાલીબેન અને બે નાની દીકરી નિત્યા(13) અને રિયા(7) છે. ભાવિનભાઈ ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા હતા. દિવ્ય ભાસ્કરે નરોડામાં રહેતા પટેલ પરિવારની મુલાકાત લઈ ઘરના સભ્યો સાથે વાતચીત કરી હતી.

મૃતક ભાવિનભાઈના પિતરાઈ રવિભાઈ પટેલ ભાવુક થઈ ગયા હતા. તેમણે વાત કરતાં કહ્યું, ‘ભાવિનભાઈનાં ઘણાં સપનાં હતાં. હાલમાં જ તેમણે રિસ્ક લઈ એક નવું મકાન લીધું હતું. એમાં 20 લાખ રૂપિયા ભર્યા છે. બીજી લોન લીધી છે. જે પૈસા ભર્યા છે એ પણ બહારથી અને મિત્રો પાસેથી લાવેલા છે. એ વ્યક્તિનો બહુ સરળ સુશીલ અને સારો સ્વભાવ હતો. હવે મારા ઘરમાં કોઈપણ પ્રસંગ હશે તો તેમની ખોટ બહુ વર્તાશે. ઘરમાં હવે ભાવિનભાઈની બે નાની દીકરી છે. જે હવે તો મારી જ દીકરીઓ છે. તેમની પત્નીને તો અમે સમજાવી દઈએ, પણ નાની દીકરીઓને અમે શું જવાબ આપીએ?

મૃતક ભાવિનભાઈના માતા અને પત્નીની આંખો સુકાતી નથી. તે બંને સતત રડ્યાં જ કરે છે. તેમના પત્ની નિરાલીબેન કઈ બોલવાની હાલતમાં જ નથી. માતા સવિતાબેને રડતાં રડતાં કહ્યું હતું કે અમારું કુટુંબ તો ઠીક, પણ આજુબાજુ ગમે તે હોય, સ્વભાવના કારણે તે બધામાં ભળી જતો. તેને કોઈ અજાણ્યું લાગતું જ નહોતું. તેણે એ વખતે રજા લીધી હતી. 15 દિવસ પહેલાં જ મને માથામાં વાગ્યું તો 9 ટાંકા આવ્યા હતાં. મારી સ્થિતિ બરોબર નહોતી. ચક્કર આવતા હતા. તો મને સવારે ફોન કરીને કહ્યું કે મમ્મી હું તને લેવા આવું છું, પણ મેં ના પાડી. મારી તબિયત સારી નહોતી. આપણે ના કહેવું જોઈએ, પણ તે ભગવાનથી પણ વધારે હતો એમ કહું તો ચાલે. તેની બહુ જ યાદ આવશે. કહેતાં એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે.

હું મારી દીકરીને નથી રાખતો એનાથી વધારે તે રાખતારવિભાઈ પટેલે કહ્યું, અમે પરિવારના લોકો દર વર્ષે બહારની ટ્રિપ કરતા હતા. ભાવિનભાઈ જે કહે એ પ્રમાણે જ અમે બધા કરતા હતા. તેમને ડાન્સ અને ગીતોનો બહુ જ શોખ હતો. ફેમિલીના કોઈપણ પ્રસંગ માટે તેઓ દોડતા હતા. તેઓ એટલા સરળ સ્વભાવના હતા કે જાણે અમને ખુશીઓ આપવા ભગવાને જ અમારી પાસે મોકલ્યા હોય. એ માણસને અમારી પાસેથી છીનવી લીધો છે. આજથી છ મહિના પહેલાં મારા ફોઈના ઘરે બાબરી હતી. મારા ફોઇ 62 વર્ષનાં છે અને ચાલી પણ નથી શકતાં. ભાવિનભાઈએ તેમને પકડીને નચાવ્યા હતા. મારી દીકરી અને ભત્રીજીને જ્યારે પણ પરીક્ષા હોય અને ચિંતા કરતી હોય ત્યારે ભાવિનભાઈ તેમની સાથે લઈ રમત કરતા. તેમને ઓફિસમાં રજા હોય ત્યારે પરિવારનાં બાળકોને તેઓ ફરવા લઈ જતા. હું જેટલું મારી દીકરીને નથી રાખતો એનાથી વધારે તેઓ રાખતા હતા.

જ્યારે ભાવિનભાઈનાં ભાભી અને રવિભાઈનાં પત્ની કહે છે કે હવે જેટલા પ્રસંગ થશે એમાં તેમની યાદ અમને આવવાની જ છે, કારણ કે તેમના સિવાય અમારા ઘરમાં કોઈ પ્રસંગ જ ન થાય એમ કહીએ તો ચાલે. નાનાથી લઈ મોટા સુધી બધા જ છોકરાઓને તેમની એટલી માયા છે કે તે લોકો ભાવિનભાઈ વગર રહેતા નથી. મારી દીકરીને કોઈ પ્રોબ્લેમ હોય તો તે અમને નહીં, પણ ભાવિનભાઈને કહેતી હતી. તેમની જોડે જ રહેતી હતી. તેમની એટલી ખોટ વર્તાય છે કે એ કહેવા માટે કોઈ શબ્દો જ મારી પાસે નથી. જે દિવસે આ ઘટના બની એ દિવસે અમારા ઘરે ફંક્શન હતું. અમે બધા ભેગા હતા. ત્યારે અમે એટલી બધી મસ્તી કરી હતી કે વાત જ ના પૂછશો. અમે જમવા બેઠા હતા. તેમને ગળ્યું બહુ ભાવતું હતું તો એ વિશે મજાક કરી હતી. અમને બંનેને ફોટોગ્રાફીનો બહુ જ શોખ હતો. અમે ક્યાંય પણ જઈએ, તેઓ મારા ફોટા પાડે, હું તેમના ફોટા પાડું. તેઓ ક્યાંય પણ હોય, એમ જ કહે કે ચાલ, આપણે ફોટો પાડીએ. ચાલ, આપણે વીડિયો બનાવીએ.

રવિભાઈ પટેલે કહ્યું હતું કે ઢોરની સમસ્યા અહીં જ નહીં, આખા અમદાવાદમાં છે. એક મહિનાની અંદર કેટલા કેસ થઈ ચૂક્યા છે? અમારે ઢોર માલિક સાથે કોઈ વાત નથી થઈ. અમે કોઈ તપાસ પણ નથી કરી. સરકારને વિનંતી છે કે આ ઘટનામાં જે ગુનેગાર કે દોષી છે તેમની સામે ઝડપથી એક્શન લો. યોગ્ય કાર્યવાહી કરો. તો હું મારી દીકરીને સમજાવી શકું અને કહી શકું. ઢોરના માલિકોને એટલું કહેવું છે કે એ લોકો આવી રીતે ઢોર ના રાખે, પણ ન્યૂઝમાં જોવું છું તો તેમનું પણ કહેવું છે કે અમને જગ્યા નથી મળતી.

જી ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનના પીઆઇ કેકે બુવલ સાથે વાત કરી હતી.કેકે બુવલ આ ઘટનામાં પ્રથમ તપાસ અધિકારી હતા.તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આ અકસ્માતનો ગુનો નથી બનતો એવું સામે આવ્યું છે.ગાય આવીને આ ભાઈને અથડાય છે એટલે આ ઘટનામાં ઢોરમાલિકની બેદરકારી સામે આવી છે.કેસને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એજે ચૌહાણે જણાવ્યું હતું કે હાલમાં અજાણ્યા શખસો સામે 304ની કલમ હેઠળ સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ ઢોરમાલિક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી સામે તપાસ કરીને કેસ કરવામાં આવશે.

error: