રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે
મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં મુસાફરો ભરેલી બસમાં આગ લાગી ગઈ હતી. જેમાં 11 લોકો જીવતા સળગી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસે બચાવ કામગીરી હાથ ધરી છે.
આ કરૂણ અકસ્માતમાં એક બાળકનું પણ મોત થયું છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘટના સમયે બસ યવતમાલથી મુંબઈ તરફ જઈ રહી હતી. આ ઘટના સવારે 4:00 વાગ્યા આસપાસ બની હતી.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે સરકારે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાલતી બસમાં આગ લાગી હતી. બીજી તરફ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ હતી અને ત્યારબાદ આગ લાગી હતી.
અકસ્માતનો ભોગ બનેલી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. જેમાં લગભગ 11 લોકોના મોત થઈ ગયા છે. તેમા એક બાળક પણ સામેલ છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. સીએમ શિંદે સતત જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, ઘાયલોની સારવારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આ દુર્ઘટના પર PM મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.
દુર્ઘટનાગ્રસ્ત બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 4:00 વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમને બચવાની તક મળી ના હતી. આંકડા દર્શાવે છે કે, આ દુર્ઘટનામાં લગભગ 25 લોકો દાઝી ગયા છે.