એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડની તપાસ ઝડપી કરી દીધી છે. હવે આ મામલામાં ED દ્વારા TMCના અન્ય ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા મંત્રી પાર્થ ચેટરજીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ઠેકાણાઓમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા. માણિક ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હતા. આ વર્ષે જૂનમાં કોલકાતા હાઈકોર્ટના આદેશ પર તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમના પર આ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ હતો અને ત્યારબાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યાં આદેશો આપવામાં આવ્યા હતા.
માનિક ભટ્ટાચાર્ય આ કેસમાં ED દ્વારા ધરપકડ કરાયેલા TMCના બીજા ધારાસભ્ય છે. આ અગાઉ પાર્થ ચેટરજીની જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ TMCના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા પરંતુ ઘેરાયા બાદ મમતા બેનર્જીએ તેમને પાર્ટી અને મંત્રી પદમાંથી હાંકી કાઢ્યા હતા. EDએ પાર્થ ચેટરજીના નજીકના સાથી અર્પિતા મુખર્જીના બે ફ્લેટમાંથી રૂ. 50 કરોડથી વધુ રકમ રિકવર કરી હતી. તમને જણાવી દઈએ કે, કલકત્તા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, માણિક ભટ્ટાચાર્ય સીબીઆઈ સમક્ષ હાજર થાય. તેની સામે તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો જ્યાંથી તેમને રાહત મળી હતી. સર્વોચ્ચ અદાલતે એજન્સીને આગળના નિર્ણય સુધી કોઈ પગલાં ન લેવાનો આદેશ આપ્યો હતો.
જોકે, હવે EDએ તેના પર સકંજો કસી દીધો છે. EDના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, ભટ્ટાચાર્ય અદાલતથી જે રાહત મળી હતી તે સીબીઆઈને લઈને હતી. પરંતુ ED અલગ એજન્સી છે. આ મામલે ED અલગથી તપાસ કરી રહી છે અને આર્થિક લેવદ-દેવડ મામલે તેની જ નજર છે. આ ઉપરાંત અન્ય મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. આજે માણિકને ED દ્વારા PMLA કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ વર્ષે મે માં કોલકાતા હાઈકોર્ટે શિક્ષક ભરતી કૌંભાડની સીબીઆઈ તપાસને આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ મામલે EDને પણ સામેલ કરવામાં આવી હતી. ED દ્વારા સપ્ટેમ્બરમાં આ મામલે પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.