વડોદરા શહેરના છાણી ગામ ખાતે માંગણી
બેંકના ચેરમેનને કાયદા વિરુદ્ધ હોદ્દો આપવામાં આવ્યો
બેંક મેનેજર અને CEO સામે પગલા ભરવા માંગણી
પગલા ભરવા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માંગણી
વડોદરા શહેરના છાણી ગામ ખાતે આવેલી છાણી નાગરિક બેંકના ચેરમેનને કાયદા વિરુદ્ધ હોદ્દો આપવામાં આવ્યો હોય તેમને તાત્કાલિક ધોરણે હોદ્દા પરથી દૂર કરવા સાથે ફરજમાં બેદરકારી દાખવનાર બેંક મેનેજર અને સીઈઓ સામે કાયદાકીય પગલા ભરવા કોંગ્રેસના કોર્પોરેટર અને બેંકના સભાસદે માંગણી કરી છે.
કોંગ્રેસના કોર્પોરેટર અને શહેરની છાણી નાગરિક બેંકના સભાસદ હરીશ આર. પટેલએ સહકારી જિલ્લા રજીસ્ટ્રાર વડોદરા, છાણી નાગરિક સહકારી બેંક મેનેજર, સ્ટેટ રજીસ્ટ્રાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સંબોધી રજૂઆત કરી હતી કે, છાણી નાગરિક બેંકમાં ચેરમેન ના હોદ્દા સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રારને જાણ નહીં કરી બેંકના સીઈઓ અને મેનેજરએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી છે. વર્ષ 2021 દરમિયાન તે સમયના ચેરમેન સત્યેન્દ્ર પટેલને ચેરમેન પદેથી દૂર કરવાનો ઓર્ડર થયો હતો. તાજેતરમાં ફરીથી તેમની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિયમ અનુસાર બે ટર્મ અથવા પાંચ વર્ષના ગાળા બાદ ચેરમેનની નિમણૂક થઈ શકે. પરંતુ કાયદાની ઉપરવટ જઈને માત્ર 18 મહિનામાં ફરી વખત ચેરમેન તરીકે નિમણૂક કરી છે. જેથી તાત્કાલિક અસરથી તેઓને હોદ્દા પરથી દૂર કરવા અને બેંકના મેનેજર તથા સીઈઓ સામે ખોટી નિમણૂક બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે. અગાઉ આ સંદર્ભે સીઈઓ અને મેનેજરને અરજી આપી ખુલાસો માંગ્યો હતો. પરંતુ આજ દિન સુધી જવાબ રજૂ કર્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસના કોર્પોરેટરોએ છાણી વિસ્તારમાં શાસક પક્ષના કોર્પોરેટરના ખેતરમાં ગેરકાયદેસર રસ્તાનો ભાંડાફોડ કર્યા બાદ તાજેતરમાં હરીશ પટેલ સામે ખેતરમાંથી રસ્તો કાઢવા મુદ્દે ફરિયાદ નોંધાવા પામી છે. જે ફરિયાદી પણ શાસક પક્ષના અગ્રણીનો સંબંધી છે. આમ, રાજકીય દાવપેચની રમતો પણ સામે આવી રહી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા