Satya Tv News

ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દીધી છે. આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આમ, હિમાચલ પ્રદેશ વિધાનસબા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવી જશે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યોના પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે
હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થશે. સંભાવના એવી છે કે નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1 થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ 20 ઓક્ટોબર પછી જાહેર થાય એવી સંભાવના છે.

ECની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. ECએ કહ્યું- કોરોનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટમી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો 20 ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો છે અને તેમાં ‘લોકશાહીનો તહેવાર’ પણ ઉમેરાવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ કરવામાં આવી છે.

રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમણે 2019ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ પણ ટાંક્યું જ્યાં મેટ્રો શહેરોમાં મતદાન ઓછું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હિમાચલમાં કાર્યકાળ 8 જાન્યુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કુલ 55 લાખ મતદારો છે. જેમાંથી 15 લાખ મતદારો બેલેટ દ્વારા મતદાન કરશે. 1.6 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

મહિલાઓ માટે અલગ બૂથ બનાવવામાં આવશે. તમામ બૂથ પર પાણી અને ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા રહેશે.

80 વર્ષથી વધુ ઉંમરના અને કોરોના પીડિતો માટે ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ થશે.

મતદાન કેન્દ્ર પર દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવશે. મતદાન માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે.

જો ચૂંટણીમાં પૈસા, ડ્રગ્સ અથવા કોઈપણ પ્રકારના પાવરનો દુરુપયોગ થાય છે, તો નાગરિકો C-vigil એપ પર તેની જાણ કરી શકે છે.

ઉમેદવારોની માહિતી એપ પર જ ઉપલબ્ધ થશે. અમે એપ પર ઉમેદવારોના ગુના અને સંપત્તિ વિશે માહિતી આપીશું.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે દરેક બૂથ પર રેમ્પની વ્યવસ્થા હશે. પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.મતદારોને વધુમાં વધુ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. કેટલાક મતદાન મથક એવા હશે કે જેનું સંચાલન માત્ર મહિલાઓ જ કરશે. દરેક વિધાનસભામાંઓછામાં ઓછું એક એવું બૂથ હશે. તે મહિલા સશક્તિકરણનું પ્રદર્શન કરશે. કેટલાક મતદાન મથકોનું સંચાલન અલગ-અલગ-વિકલાંગ સ્ટાફ દ્વારા કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે, આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે, પરંતુ ભાસ્કર સૂત્રના જણાવ્યા પ્રમાણે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ આજે જાહેર થશે નહીં. 20 ઓક્ટોબર પછી ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે.

2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.

ગત વખતે પણ પહેલા 10 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની અને ત્યાર પછી 25 ઓક્ટોબરે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી.

ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા ઓછી એટલા માટે લાગે છે કે રાજકીય નિષ્ણાતોના મત મુજબ, હજી ગુજરાતમાં ઘણાબધા સરકારી કાર્યક્રમો બાકી છે. એક તો ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે.

ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટ 182 છે. 40 સીટ અનામત છે. 13 સીટ અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017 ચૂંટણીની વાતો કરીએ તો ભાજપે અહીં સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી સરકાર બનાવી હતી. ચૂંટણીમાં ભાજપને 99, કોંગ્રેસને 77 સીટો મલી હતી. બે સીટ ભારતીય ટ્રાઈબલ પાર્ટીને અને એક સીટ એનસીપીને મળી હતી, જ્યારે 3 સીટો પર અપક્ષે જીત મેળવી હતી.

ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં છે. એ ઉપરાંત પાર્ટીના બે મોટા નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતથી છે. આ સંજોગોમાં અહીં ફરી ભાજપની જ સરકાર આવે એવી સંપૂર્ણ શક્યતા છે. જોકે આ વખતે પાર્ટી માટે સરકાર રિપીટ કરવી મુશ્કેલ છે. રોજગારી અને ખેડૂતોના મુદ્દે પાર્ટી બેકફૂટ પર છે.

હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 20 બેઠકો અનામત છે. 17 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 3 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. 2017માં, ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે જીતી નોંધાવીને સરકાર બનાવી. ચૂંટણીમાં ભાજપને 44 અને કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. સીપીઆઈએમને એક બેઠક અને અપક્ષ ઉમેદવારોએ બે બેઠકો જીતી હતી.

વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભાજપ તરફથી સૌથી મોટા દાવેદાર છે. જો 2017ની જેમ મોટો ફેરફાર થાય છે તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ સીએમનો ચહેરો બની શકે છે. કોંગ્રેસ તરફથી મુકેશ અગ્નિહોત્રી, કૌલ સિંહ ઠાકુર, સુખવિંદર સિંહ સુખુ, રામલાલ ઠાકુર, આશા કુમારી દાવેદારોની યાદીમાં સામેલ છે.
આ વખતે 4 મુદ્દા હિમાચલમાં ચૂંટણીને અસર કરી શકે છે. જેમાં કર્મચારીઓની સમસ્યા, મોંઘવારી, બેરોજગારી અને પોલીસ પેપર લીક કેસનો સમાવેશ થાય છે. આ સિવાય સરકાર સામે એન્ટી ઈન્કમ્બન્સીની પણ અસર થઈ શકે છે. ગયા વર્ષે ત્રણ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો પરાજય થયો હતો.

ચૂંટણીપંચે આખરી મતદારયાદી તૈયાર કરી છે, જેમાં ચૂંટણીપંચની વિગતો અનુસાર, ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદાર નોંધાયા છે, જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.

error: