કટની જિલ્લાના એનકેજે પોલીસ સ્ટેશન વિસ્તારના દેવરા ખુર્દ ગામમાં મોડી સાંજે કટની નદીના કિનારે પિકનિક મનાવતી વખતે નદીમાં ન્હાવા પડેલા પાંચ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. નદીમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, અન્ય બેની શોધ ચાલી રહી છે. નદીમાં ડૂબેલા તમામ બાળકોની ઉંમર 13થી 15 વર્ષની વચ્ચે છે. કટની હોમગાર્ડ અને જબલપુર એસડીઆરએફની ટીમ હાલ વધુ બે કિશોરોને શોધી રહી છે. એનકેજે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
કહેવામાં આવી રહ્યું છે કે, તમામ આયુષ વિશ્વકર્મા (15 વર્ષ)ના જન્મદિવસની ઉજવણી કરવા નદીના કિનારે ગયા હતા, આ દરમિયાન તેઓ નદીમાં ન્હાવા માટે નીચે ઉતર્યા, જ્યારે મોડે સુધી તમામ ઘરે ન પહોંચ્યા. ત્યારે પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.
બાળકોના કપડા નદીના કિનારે મળી આવ્યા બાદ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. સમાચાર મળ્યા બાદ જિલ્લા પ્રશાસને તુરંત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. હોમગાર્ડની ટીમ બોટમાં બેસીને નદીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ, રેસ્ક્યુ ટીમે લગભગ 8 વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. મોડી રાત્રે સાહિલ ચક્રવર્તી (ઉંમર 15 વર્ષ)નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન જબલપુરથી પણ એક ટીમ બોલાવવામાં આવી હતી. રાત્રીના સમયે લાઇટિંગના અભાવે બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાઇ હતી, જેના માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
સવારે ચાર વાગ્યે સૂર્ય વિશ્વકર્મા (ઉંમર 15) અને અનુજ સોની (ઉંમર 13)ના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા. ગ્રામજનોએ જણાવ્યું કે, આયુષનો જન્મદિવસ હતો અને તેના કારણે બાળકો પિકનિક મનાવવા આવ્યા હતા. હાલમાં મહપાલ સિંહ અને આયુષની શોધ ચાલી રહી છે.