કોર્ટે પોતાના ચુકાદામાં પોલીસ કર્મચારીઓની ઝાટકણી કાઢી
કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે
તે પોલીસની જ આવા ગંભીર ગુનાહિત કૃત્યમાં સંડોવણી
શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા બાબુ દાઢીના જુગારધામ પર પકડાયેલા પીએસઆઈ સહિત ૧૨ આરોપીઓની જામીન અરજી મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ કલાસ એ.સી.સખીયાએ આકરા વલણ સાથે ફગાવી દીધી છે. કોર્ટ જામીન અરજી ફગાવી તે ૧૨ આરોપીઓમાં ચાર પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. કોર્ટે પોતાના ચુકાદામાં પોલીસના વલણની બહુ ગંભીર આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે, સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે, તે પોલીસ જ આવા ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી છે. એટલે સુધી કે, તેઓ ગુનો કરવામાં હાજર મળી આવ્યા છે.
કોર્ટે સબકસમાન ચુકાદા મારફતે જે આરોપીઓના જામીન ફગાવાયા તેમાં આરોપી પીએસઆઇ દર્શન બાબુભાઇ પરમાર, એએસઆઇ હિતેન્દ્રસિંહ હિંમતસિંહ ચપાવત, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ અનોપસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ તખતસિંહ ચૌહાણ ઉપરાંત આરોપી વિજય ઉર્ફે વિશાલ પરમાર, મગન દેસાઇ, સંજય રાવળ, બળદેવ ઉર્ફે બાબુ બારોટ, સુરેશ પાસી, જીતુ રાવળ, સંજય રાવત અને જયેશ ચાવડાનો સમાવેશ થાય છે. રાજય સરકાર તરફથી આરોપીઓની જામીન અરજીનો સખત વિરોધ કરતાં અધિક સરકારી વકીલ નરેન્દ્ર એસ.શર્માએ જણાવ્યું હતું કે, આ એક બહુ ગંભીર પ્રકારનો ગુનો છે, જેમાં ખુદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સંડોવાયેલા છે. સમાજમાં કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રાથમિક રીતે પોલીસની હોય છે. પરંતુ આ કેસમાં પોલીસ જ જુગારના અડ્ડાની બહાર ચોકી-પહેરો ભરી આરોપીઓને જુગાર રમવાનું પ્રોત્સાહન પૂરું પાડતી હતી. સમાજમાં જુગારના ગુના દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ એક સબક સમાન દાખલો બેસે તે પ્રકારે આરોપીઓની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ગ્રામ્ય કોર્ટે ચાર પોલીસ કર્મચારીઓ સહિત તમામ ૧૨ આરોપીઓની જામીન અરજી ફગાવી હતી.
ચારેય પોલીસ કર્મચારીઓની ગુનાહિત કૃત્યમાં સંડોવણીની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં એક સુવ્યવસ્થિત કાવતરાના ભાગરૂપે રાજય સેવક એવા સરકારી કર્મચારીના મકાનમાં ખુદ પોલીસવાળાની મદદથી જુગારધામ ચલાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. ખુદ પોલીસ જ ચોકી-પહેરો ભરી આ જુગારધામ ચલાવવાનું ગુનાહિત કૃત્ય આચરવામાં મદદ કરતી હતી અને આવા ગંભીર ગુનાને પ્રોત્સાહન આપતી હતી. આવા ગુનામાં જો આરોપીઓને જામીન અપાય તો સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય. વળી, ફરિયાદની હકીકત જોતા આરોપીઓ સામે બહુ ગંભીર પ્રકારનો ગુનો બને છે. આરોપીઓ સામે આજીવન કેદ સુધીની સજાને પાત્ર ગુનાનો ગંભીર આરોપ હોઇ જામીન પર મુકત કરવા ન્યાયોચિત નહી લેખાય.